ગુજરાતનું વર્ષ 2025-26નું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું સતત ચોથીવાર બજેટ રજૂ કર્યું. આ બજેટમાં સરકારે રોજગારી-મહિલા-યુવા- કૃષિ દરેક વિભાગને ધ્યાનમાં રાખીને ઘણી મોટી જાહેરાતો કરી છે. રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે, જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને “નમોશક્તિ એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે. અમદાવાદથી રાજકોટ અને એનું એક્સટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવાં ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા “સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં 5 લાખ રોજગારી ઊભી કરાશે. SRP, બિનહથિયાર અને હથિયારધારક કોન્સ્ટેબલમાં ભરતી કરાશે. પોલીસ વિભાગમાં કુલ 14,000 કર્મચારીની ભરતી કરવાની યોજના છે.
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરાં પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની 1 લાખ 20 હજાર રૂપિયાની સહાયમાં મકાનદીઠ 50 હજાર રૂપિયાના માતબર વધારા સાથે 1 લાખ 70 હજાર રૂપિયા કરવામાં આવી છે.
વડીલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના લેખ પર વર્તમાન 4.90% સ્ટેમ્પ ડયૂટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત 200 સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઈઓ મુજબ વર્તમાન સમયમાં રૂપિયા એક કરોડ સુધીની લોનની રકમ માટેના ‘ગીરોખત’ પર 0.25% લેખે મહત્તમ રૂ.25000 સ્ટેમ્પ ડયૂટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ રૂ.5000ની સ્ટેમ્પ ડયૂટી ભરપાઈ કરવાની થશે, જેથી હાઉસિંગ લોનધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે.
એક વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1% સ્ટેમ્પ ડયૂટી ભરવાની જોગવાઈ છે, જેના સ્થાને રહેણાક માટે રૂા.500 તથા વાણિજ્ય માટે રૂા.1000ની સ્ટેમ્પ ડયૂટી લેવામાં આવશે તેમજ અન્ય સમયગાળાના ભાડાપટ્ટાના લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ કરવામાં આવશે.
આ ઉપરાંત નાગરિકો અને નાના ઉદ્યોગકારોના સમય અને શક્તિનો બચાવ થાય એ હેતુસર ગીરોખત, ગીરોમુક્તિ લેખ, ભાડાપટ્ટા લેખ કરવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જવાને બદલે ઘેરબેઠાં ઈ-રજિસ્ટ્રેશનની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.