વડોદરા અને અમરેલીના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી આવતા મહિને વધુ એક વખત ગુજરાતના
પ્રવાસે આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત પોતાના વતન ગુજરાતના પ્રવાસે
આવનાર છે. વડાપ્રધાન મોદી આગામી મહિને એટલે કે માર્ચ મહિનામાં બે દિવસના ગુજરાતના પ્રવાસે
આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. જેમાં તેઓ બે મોટા કાર્યક્રમમાં હાજરી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ વિશે મળતી માહિતી મુજબ તેઓ 7 અને 8 માર્ચે ગુજરાતના
પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા
કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ બીજા દિવસે 8 માર્ચે નવસારીમાં વડાપ્રધાન મહિલા દિવસના
કાર્યક્રમમાં હાજર રહેશે.
વડાપ્રધાન તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સુરતના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે અને ત્યારબાદ
8 માર્ચે સાંજે નવસારીથી દિલ્હી પરત ફરશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમનું આયોજન પુરવઠા વિભાગ
દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. વડાપ્રધાન મોદીના આગમનને
લઈને અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય કાર્યક્રમમાં ભાજપના
અનેક મોટા નેતાઓ પણ જોડાશે તેવી શક્યતાઓ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.