અમરેલીના લાઠી ગામે રહેતા સાળા બનેવી સહિતના પાંચ લોકો ગઇકાલે સવારે લાઠીથી બે અલગ અલગ મોટર સાયકલ લઈ પોતાના સંબંધીને ત્યાં લગ્નમાં જવા નિકળ્યા હતા. ત્યારે બાબરા તાલુકાના ગળકોટડી ગામથી આગળ ખાખરીયા તરફ જતાં ચોકડીએ પહોંચતા એક સફેદ કલરની ગાડી નં.જીજે-૩૨-ટી-૫૦૯૧ ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે બેફીકારાઇથી માનવ જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી વિજયભાઈના મોટર સાયકલ સાથે અથડાવી દેતા પિતા- પુત્રીના બાબરા ખાતે મોત નિપજ્યા હતા જ્યારે તેમની ભાણેજનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ લાઠી ગામે આવેલ લુવારીયા દરવાજા બહાર મામાના ખીજળા પાસે રહેતા નરેશભાઇ ધીરુભાઇ સોલંકી નામના ૩૬ વર્ષિય યુવક તથા તેમના પત્નિ વિરલ તેમનું મોટર સાયકલ લઈ તથા તેમના સાળા વિજયભાઈ વલ્લભભાઈ પરમાર તેમનું બીજું મોટર સાયકલ નં.જી.જે-૧૪-પી- ૦૦૭૩ વાળું લઈ તેમની સાથે યુવકના સાળાની દિકરી શ્રધ્ધાબેન વિજયભાઈ પરમાર અને યુવકની દિકરી ક્રુપાલીબેન નરેશભાઇ સોલંકીને સાથે બેસાડી અમરેલી જિલ્લાના લાઠીથી ખાખરિયા ગામ તરફ તેમના સબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં જતા હતા. ત્યારે બાબરા તાલુકાના ગળકોટડી ગામથી આગળ ખાખરીયા તરફ જતાં ગઇકાલે આશરે પોણા દસ વાગ્યાના સમયે પહોચતા અને ખાખરીયા ચોકડીએ ક્રોસ કરવા જતા એક સફેદ કલરની ગાડી નં.જીજે-૩૨-ટી-૫૦૯૧ ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે બેફીકારાઇથી માનવ જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી યુવકના સાળા વિજયભાઈ વલ્લભભાઈ પરમારના મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાવી દેતા આ બનાવમાં વિજયભાઈ વલ્લભભાઈ પરમાર (ઉ.વ.૩૯) તથા તેમની દિકરી શ્રધ્ધાબેન વિજયભાઈ પરમાર (ઉ.વ.૧૪) તથા ક્રુપાલીબેન નરેશભાઇ સોલંકી (ઉ.વ.૮)ને નાની-મોટી ગંભીર ઈજાઓ કરી પિતા-પુત્રી તથા ભાણેજ સહિત ત્રણના મોત નિપજાવી દઈ અકસ્માત કરનાર ગાડી નં.જીજે-૩૨-ટી-૫૦૯૧ ના ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે નરેશભાઇ ધીરુભાઇ સોલંકી ગાડી નં. જી.જે.-૩૨-ટી-૫૦૯૧ ના ચાલક સામે બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.