સુરતની શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં અનેક રાજસ્થાની વેપારીઓએ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. માર્કેટમાં લાગેલી આગથી થયેલા આર્થિક નુકસાનને પગલે રાજસ્થાની વેપારીઓ એકત્રિત થયા છે. સમાજના આગેવાનો અને વેપારીઓએ એકત્રિત થઈને એકબીજાનું દુઃખ હળવું કરવાનું શરૂ કર્યું છે. આકરી પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપી, આગામી દિવસોમાં પડકારોનો સામનો કેવી રીતે કરવો? તે અંગે ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ દુર્ઘટનાના કારણે રાજસ્થાન યુવક મંડળ દ્વારા જે હોળીનો ભવ્ય કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવતો હોય છે, તેને રદ કરી દેવામાં આવ્યો છે.
શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટની અંદર આગ લાગ્યા બાદ માર્કેટની અંદર વેપારીઓની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, જોકે, વેપારીઓ દ્વારા દુકાનની અંદર જવા માટે સતત કોર્પોરેશનના અધિકારીઓને તેમજ સ્થાનિક નેતાઓને વિનંતી કરવામાં આવી હતી. આખરે સ્ટેબિલિટી રિપોર્ટ માટે આવેલી ટીમ દ્વારા પાંચ-પાંચ વેપારીઓને માર્કેટની અંદર 10-10 મિનિટ સુધી પોતાની દુકાન જોવા જવા માટેની મંજૂરી આપી હતી, જેમાં વેપારીઓએ પોતાનું લેપટોપ, હિસાબના ચોપડા અને દુકાનમાં પડેલી રોકડ લઈને પરત ફરી જવાનું હતું. આ સિવાય કોઈપણ પ્રકારનો અંદર પડેલો સામાન સાથે લઈને આવવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી હતી.
પોતાની દુકાનની અંદર ગયેલા વિનોદકુમાર ચૌધરીએ જણાવ્યું કે, આજે મંજૂરી મળતા અમે માર્કેટની અંદર અમારી દુકાન જોવા માટે ગયા હતા. દુકાનના માત્ર પીલર જ જોવા મળ્યા. આખેઆખી ઓફિસ બળીને ખાક થઈ ગઈ. અમારો લાખ રૂપિયાનો માલ સામાન બળીને રાખ થઈ ગયો. અમારી અત્યાર સુધીની પૂંજી જાણે બળી ગઈ હોય એવો અનુભવ થયો. ક્યાં જઈએ કોને કહીએ તે પણ સમજાતું નથી. પરત લાવવા માટે ફક્ત રાખ બચી હતી.
અન્ય એક વેપારીના પત્ની પપીયા બાઈએ જણાવ્યું કે, શિવરાત્રીના રાત્રે અમે ત્યાં જ હતા નાના-નાના વેપારીઓની દુકાનો બળી ગઈ છે. આજે અમે બધા જ રસ્તા ઉપર આવી ગયા છે. અમે સતત કહેતા રહ્યા કે, ‘જલ્દીથી આગ બુજાવો જલ્દીથી આગ બુજાઓ’ પરંતુ, આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો. શિવરાત્રીના દિવસે રાતે અમે રડતા રહ્યા મારી સાથે અન્ય મહિલાઓ પણ માર્કેટ ઉપર પહોંચી હતી. અમે અમારી નજરની સામે દુકાનો સળગતી જોઈ રહ્યા હતા. અમારા પરિવારનું ગુજરાન ચલાવનાર સાધન અમારી સામે જ બળીને ખાક થઈ ગયું હતું.