કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્લાન્ટથી દરરોજ અંદાજિત 5 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન કરાશે. બેકવોટરમાં 300 હેક્ટરમાં અંદાજે 2 લાખ ફ્લોટિંગ સોલાર પેનલ લગાવાશે. ગુજરાતમાં આ પ્રથમ મોટો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમ ખાતે તરતી સોલાર પેનલથી રોશની કરવામાં આવશે. આ માટે ફ્લોટિંગ સોલાર પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. કડાણા ડેમના પાછળના પાણીમાં ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું કામ કરવામાં આવશે. પાણીના વિસ્તારમાં સોલાર પેનલ લગાવવામાં પેનલ પાણીની સપાટી પર તરતી રહેશે. જેમ જેમ પાણીનું સ્તર વધશે અને ઘટશે તેમ આપમેળે સંતુલન જળવાશે. એટલુ જ નહિં પણ ચોમાસામાં પાણીના મજબૂત મોજા અને પુરની સ્થિતિની તેના પર કોઈ અસર થશે નહીં.
આ પ્રોજેક્ટ હેઠળ ડેમના પાણી પર 110 મેગાવોટ માટે અંદાજે 300 હેક્ટરમાં બેકવોટરમાં લગભગ 2 લાખ ફ્લોટિંગ સોલાર પેનલ લગાવવામાં આવશે. અહીંથી દરરોજ અંદાજે 5 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થશે. જે રાજ્યનાના ઘણા વિસ્તારોની જરૂરિયાત પૂરી પાડશે. આ પ્લાન્ટ 4 લાખથી વધુ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને અટકાવશે. એટલે કે 50 લાખ વૃક્ષોની બરાબર આ પ્લાન્ટ કામગીરી કરશે. રાજ્યની આ સૌથી અનોખી યોજના હશે. જેની ક્ષમતા અને પાણીના વિસ્તાર અનુસાર આ વિશાળ યોજના પર કામ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં અભ્યાસ કર્યા બાદ કડાણા ડેમ પર પસંદગી ઉતારી કામ માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં તેના પર કામ શરૂ કરવામા આવશે.
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) ભારતના સ્વચ્છ ઊર્જા સંક્રમણમાં એક ક્રાંતિકારી પગલું ભરી રહ્યું છે. GSECLએ મોટા પાયે ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ માટે કામ શરૂ કર્યું છે. જેને લઈ હાલ પીવી, ઇપીસી ટેન્ડર શરૂ કર્યું છે, જમીનના ઉપયોગને શ્રેષ્ઠ બનાવતી વખતે ટકાઉ અને ઉચ્ચ-કાર્યક્ષમ સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે જળ સંસ્થાનો ઉપયોગ કરવામાં આવશે. પાણીની કૂલિંગ ઇફેક્ટના કારણે ફ્લોટિંગ સોલાર પ્લાન્ટમાં જમીન અને પહાડો પર લાગેલા પ્લાન્ટ કરતા 11 ટકા વધારે વીજળી પેદા થાય છે. સોલર પાવર પેનલ પણ વધારે ચાલે છે. તે 100 ટકા રિસાઇકેબલ છે.






