ફાગણ માસની શરૂઆત થઈ ચૂકી છે. તા.6 માર્ચ ગુરુવારે પંચાંગ અનુસાર, ફાગણ સુદ 7થી હોળાષ્ટક પ્રારંભ થશે. હોળા+અષ્ટક એટલે આઠ દિવસનો સમય જેને સામી હોળી કે સામી ઝાળનો સમય રહેવાથી શાસ્ત્રોના મત અનુસાર આવા સમયમાં તમામ શુભ-માંગલિક કાર્યો, મૂહુર્ત, ઉદ્ઘાટન કાર્યો કરવા માટે નિષેધ માનવામાં આવે છે, કારણ કે સામી હોળીના તરંગો સામે આવવાથી શુભ કે માંગલિક સફળ થતા નથી.
હિંદુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી જ જોવા શરૂ થઇ જાય છે. હોળાષ્ટક હોળી અને અષ્ટક શબ્દોથી બનેલો છે એટલે કે હોળીના આઠ દિવસ. સમગ્ર દેશમાં ફાગણ મહિનાની પૂનમ પર હોલિકા દહન કરવામાં આવે છે, તેથી હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલાં જ લાગી જાય છે.
હોળાષ્ટકના દિવસોમાં મોટાભાગના ગ્રહોની સ્થિતિ ઉગ્ર હોય છે. ઉગ્ર ગ્રહોના યોગમાં જ્યોતિષીઓ દ્વારા શુભ કાર્ય ન કરવાની સલાહ આપવામાં આવે છે. તો બીજી તરફ એવું માનવામાં આવે છે કે ગ્રહોની અશુભ સ્થિતિમાં જો કામ શરૂ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નાનાં કાર્યોમાં પણ મોટી સમસ્યાઓનો સામનો કરે છે. સફળતા સરળતાથી પ્રાપ્ત થતી નથી, કેટલીકવાર કરવામાં આવેલ કામ પણ બગડે છે જેના કારણે હોળાષ્ટકના દિવસોમાં શુભ કામ કરવાનું ટાળવું જોઈએ.






