નડિયાદમાં 28 દિવસ પહેલા બનેલી ત્રણ વ્યક્તિઓના મોતની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે એક શિક્ષકે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આરોપી હરિકિશન મકવાણાએ આપઘાત કરવા એમેઝોન પરથી સોડિયમ નાઇટ્રાઇટ મંગાવ્યું હતું. તેણે આ ઝેરી પદાર્થનો પ્રયોગ પોતાના મૂકબધિર પાડોશી કનુભાઈ ચૌહાણ પર કર્યો હતો.
આરોપીએ જીરા સોડાની બોટલમાં આ ઝેર ભેળવ્યું હતું. ગત 9 ફેબ્રુઆરીની સાંજે જવાહરનગર રેલવે ફાટક પાસે કનુભાઈએ આ બોટલ તેમના બે મિત્રો સાથે શેર કરી હતી. ત્રણેયની તબિયત લથડતાં ગણતરીના સમયમાં જ તેમનું મૃત્યુ થયું હતું.નડિયાદ ટાઉન પોલીસે 27 ફેબ્રુઆરીએ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ગણતરીના દિવસોમાં જ પોલીસે આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપી શિક્ષક હરિકિશન મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
28 દિવસ પહેલા 9 ફેબ્રુઆરીએ નડિયાદમાં જીરા સોડા પીધા બાદ ત્રણ વ્યક્તિઓની તબીયત લથડી હતી. ત્રણેયના ગણતરીના સમયમાં જ મોત નિપજ્યા હતા. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે જે તે સમયે અપમૃત્યુ અને એ બાદ ગત 27મી ફેબ્રુઆરીના રોજ હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ફરિયાદના ગણતરીના દિવસોમાં જ પોલીસે આ હત્યાકાંડ પરથી પડદો ઉચક્યો છે અને સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો છે.