અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવા ગયેલા યુવકોમાંથી એક સગીર સહિત ત્રણ લોકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં પડી ગયા હતા. મોડી રાત્રે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ડૂબેલા ત્રણેયની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આજે ગુરુવારે વહેલી સવારે વિશાલા તરફ શાસ્ત્રી બ્રિજના છેડા નજીક એક લાશ તરતી હોવાનો મેસેજ મળતા ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા લાશ બહાર કાઢવામાં આવી હતી. જેમાં કારમાં બેઠેલા અને સાંજે લાપતા બનેલા યક્ષ નામના સગીરની હોવાનું જાણવા મળ્યું છે. બીજા બે યુવકોની શોધખોળ ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે.
લાપતા બનેલા ત્રણેયના પરિવારજનો પણ વહેલી સવારથી કેનાલ પાસે પહોંચી ગયા હતા અને તેમના બાળકોની ભાળ ઝડપથી મળે તેના માટે ફાયર બ્રિગેડ અને પોલીસની મદદ મેળવી હતી. પરિવારજનોમાં ભારે ચિંતા અને આક્રંદ ફેલાયેલું હતું. જેમાં એક સગીરની લાશ મળી આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ ફેલાયું હતું. કેનાલમાં લાપતા બનેલા યક્ષના પરિવારજને જણાવ્યું હતું કે, સાંજના સમયે નિયમિત સમય મુજબ તેના મિત્રોને મળવા માટે અને બહાર આંટો મારવા માટે ગયો હતો. મને ખબર નથી કે તેના મિત્રો સાથે તે અહીંયા આવ્યો હતો.
મારા દીકરાને ગાડી ચલાવતા આવડતું નથી, મારો દીકરો 17 વર્ષનો છે અને ભણતો હતો. વાસણા બેરેજ પાસે કેનાલ નજીક કેવી રીતે આવ્યા તેની અમને ખબર નથી. રીલ બનાવવા આવ્યા હતા કે કેમ એની અમને ખબર નથી. મને સાંજે 7 વાગ્યાની આસપાસ તેના મિત્રનો ફોન આવ્યો હતો કે આવી ઘટના બની છે. તેની સાથે બીજા કોણ મિત્ર હતા તેની ખબર નથી. કેનાલ બહારથી વીડિયો ઉતારતા હતા તેની માહિતી હતી, પરંતુ કોણ મિત્ર હતા તે સામે આવે તો અમને ચોક્કસ ખબર પડે. ગાડી કોઈ વ્યક્તિએ ભાડે ગાડી આપી હતી જેના કારણે તેમના છોકરાએ જીવ ગુમાવે છે. નજીવા લાલચે ગાડી ભાડે આપી દેતા આવી ઘટના બની છે. જેથી અમે સરકાર અને પોલીસને વિનંતી કરીએ છીએ કે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.