સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ નજીક હાઈવે પર ઈકો કાર ટ્રકની પાછળ ઘૂસી જતા મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સાત લોકો સવાર હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈને પી.એમ. માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. જે લગ્ન પ્રસંગ પતાવીને પરત ધ્રાંગધ્રા જઇ રહ્યો હતો, ત્યારે મોડી રાત્રે ધ્રાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ પાસે હાઈવે પર ઈકો કારે ટ્રકની પાછળ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સમયે કારમાં સાત લોકો સવાર હતા, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે પ્રથમ સારવાર ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારનો ભુક્કો બોલી ગયો હતો. કારનાં પતરાં ચીરીને મૃતદેહોને બહાર કઢાયા હતા.
મૃતકોનાં નામ
પ્રફુલાબેન ગિરીશભાઈ મારુ (ઉ.વ 56)
વિશાલભાઇ કમલેશભાઈ મારુ (ઉ.વ. 24)
કિશોરભાઈ મોહનભાઈ ડાભી (ઉ.વ. 65) (તમામ રહે. ધ્રાંગધ્રા)