પીએમ નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સુરત અને નવસારીમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપનાર છે. થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેઓ જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી.
PM મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ 1.30 વાગ્યે પહોંચશે અને ત્યાંથી સેલવાસા જશે. સેલવાસામાં તેઓ 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તેની સાથે જ 650 બેડની ક્ષમતા ધરાવતા બીજા તબક્કાનું ભૂમિપૂજન પણ કરશે. ગંગટોક બાદ દેશના બીજા નંબરના દરિયા કિનારે આવેલા દમણનું એડવાન્સ નાઇટ માર્કેટ, દેવકા કિનારે આવેલી ટોય ટ્રેન અને પંચાયત ઘર, દીવમાં સર્કિટ હાઉસ એમ ચાર અન્ય કાર્યોનું લોકાર્પણ કરશે. મોદી કુલ 2587 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે.
વડાપ્રધાનની છેલ્લા 10 વર્ષમાં દાદરા નગર હવેલીની ચોથી મુલાકાત છે.બીજી તરફ દીવમાં પણ વિકાસના કામોના લોકાર્પણ કરશે. જેમાં સેલવાસમાં જંગી સભાને સંબોધન કરશે. આગળના કાર્યક્રમમાં સાંજે 4 વાગે સેલવાસથી ગોડાદરા હેલીપેડ પહોંચશે. જે બાદ સુરતમાં 3 કિલોમિટરનો લાંબો રોડ-શો યોજાવવાનો છે. ત્યાર બાદ સાંજે 5 વાગે લિંબાયતમાં નીલગીરી ગ્રાઉન્ડમાં જનસભા સંબોધશે. આ સભા દરમિયાન 2 લાખ લાભાર્થીઓને PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ અપાશે.
ગૃહમંત્રી અમિત શાહ પણ આજથી ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 7થી 9 માર્ચ અમદાવાદ, ગીર સોમનાથ, કોડીનાર, જુનાગઢ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહ 7 માર્ચે સાંજે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે અને 8 માર્ચે સોમનાથ પહોંચશે ત્યારબાદ કોડીનાર સુગર ફેક્ટરીની મુલાકાત લેશે તેમજ બ્રહ્માનંદ વિદ્યાધામ જુનાગઢમાં પણ પહોંચશે. 9 માર્ચે શૈલામાં બુદ્ધિસાગર સૂરીશ્વર મહારાજની 150મી જન્મ જયંતી નિમિત્તે 150 રૂપિયાના સિક્કાનું અનાવરણ કરશે. સસ્તુ સાહિત્ય ટ્રસ્ટ બિલ્ડીંગ અખંડાનંદ માર્ગ ખાતેના કાર્યક્રમમાં પણ અમિત શાહ હાજરી આપશે. તેમજ ADC બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ જેતલપુર ખાતે હાજરી આપશે. આ સાથે અડાલજમાં હજારો વકીલોના શપથ સમારોહમાં હાજરી આપશે. સાંજે ચાર કલાકે મહાત્મા મંદિરમાં ડિજિટલ સેવા પોર્ટલનું લોકાર્પણ કરશે અને ગાંધીનગરના ડભોડા ખાતે શાશ્વત મિથિલા ફાઉન્ડેશનની પણ મુલાકાત લેશે.