નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ વાસી બોરસી ગામે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમને લઈ તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આ કાર્યક્રમના દિવસે જ વિશ્વ મહિલા દિવસ હોય આ વિશેષ દિવસને વધુ વિશેષ બનાવવા માટે કાર્યક્રમનું સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા જવાબદારી 3000 મહિલા અધિકારી – કર્મચારીઓના શિરે છે. વડા પ્રધાન મોદી હેલીપેડથી સભાસ્થળ સુધી આવતા રોડ શો કરશે અને લોકોનું અભિવાદન જીલશે.
વડાપ્રધાન મોદી ને સુરક્ષા કવચ પુરું પાડવા નવસારી જિલ્લા ઉપરાંત રાજ્ય લેવલથી પણ ઉચ્ચ મહિલા અધિકારીઓ હાજર રહેશે. લખપતિ દીદી કાર્યક્રમમાં એડીજીપી અને આઈ. જી. કક્ષાના મહિલા અધિકારીઓ સમગ્ર કાર્યક્રમનું સુપરવિઝન કરશે. તેમની વ્યવસ્થા અંગેની વાત કરીએ તો હેલીપેડથી લઈ સભા સ્થળ સુધી અને મંડપમાં એસપી લેવલનાં 15 મહિલા અધિકારી ફરજ બજાવશે. જ્યારે પી.આઈ કક્ષાના મહિલા અધિકારી સભા સ્થળે અને મંડપમાં અલગ અલગ ટુકડીમાં ફરજ બજાવશે. આ ઉપરાંત 200 પીએસઆઇ કક્ષાના મહિલા અધિકારી હેલીપેડથી લઈને સભાસ્થળ સુધીના અલગ અલગ વિસ્તારમાં ફરજ પર રહેશે. કાર્યક્રમમાં 2300 જેટલી મહિલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કક્ષાની અધિકારી સભા સ્થળની આસપાસ અને મંડપમાં ઉપસ્થિત રહે સુરક્ષા વ્યવસ્થા ની જવાબદારી નિભાવશે. ત્યારે પુરુષ પોલીસ અધિકારી અને અન્ય સ્ટાફ ટ્રાફિક અને પાર્કિંગ ની વ્યવસ્થા ની જવાબદારી નિભાવશે.