કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) બુધવારે કહ્યું કે છ મહિનાની અંદર દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ની કિંમત પેટ્રોલ વાહનોની બરાબર થઈ જશે. નીતિન ગડકરીએ 32મા કન્વર્જન્સ ઈન્ડિયા અને 10મા સ્માર્ટ સિટી ઈન્ડિયા એક્સપોને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે 212 કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસવેનું નિર્માણ કાર્ય આગામી ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. તેમજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સરકારની નીતિ આયાત અવેજી, ખર્ચ અસરકારકતા, પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી ઉત્પાદન છે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ વધુમાં કહ્યું કે ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે દેશે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સુધારો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે સારા રસ્તાઓ બનાવીને અમે અમારા લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો કરી શકીએ છીએ.
આ સાથે નીતિન ગડકરીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાનું ભવિષ્ય ઘણું સારું છે અને સરકાર સ્માર્ટ સિટી અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે અમે ઇલેક્ટ્રિક આધારિત ઝડપી માસ ટ્રાન્સપોર્ટેશન પર કામ કરી રહ્યા છીએ. નીતિન ગડકરીએ માર્ગ નિર્માણની કિંમત ઘટાડવા માટે નવી ટેકનોલોજી અને નવીનતાને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.