આરોગ્યકર્મીઓના આંદોલન વચ્ચે સરકાર એક્શનમાં જોવા મળી છે. ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા આંદોલનકારીઓને જરૂર પડ્યે અટકાયત કરવા આદેશ આપ્યા છે. ESMAને લઈ આરોગ્ય વિભાગે નોટિફિકેશન જારી કર્યુ છે. હવે હડતાળ કરતા આરોગ્યકર્મીઓ સામે સરકાર કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણ માટે 17 માર્ચથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની જાહેરાત કરી હતી. આ હડતાળમાં રાજ્યભરના અંદાજે 25,000 આરોગ્ય કર્મચારીઓ છે જેના કારણે રાજ્યની આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર થવાની સંભાવના છે.
આરોગ્ય કર્મચારીઓ લાંબા સમયથી તેમની વિવિધ માંગણીઓ માટે સરકારને વારંવાર રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ તેઓએ સરકારને અનેક પત્રો લખ્યા હતા. પરંતુ કોઈ માંગણી ન સ્વીકારાતા ભારે નારાજગી બાદ હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો. તેના જવાબમાં, રાજ્ય સરકારે હવે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આરોગ્યકર્મીઓની હડતાળને કારણે દર્દીઓ જરૂરી સુવિધાથી વંચિત રહ્યાં છે. તબીબો પોતાની ફરજ ન નિભાવવાને કારણે સરકારે નોટિફિકેશન જારી કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આજે આરોગ્યકર્મીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવા ગાંધીનગર જવાના છે, ત્યારે ESMAને લઇ આરોગ્ય વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું છે.
આ નોટિફિકેશન આવશ્યક સેવાઓ પર લાગુ કરવામાં આવે છે. આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવાઓમાં આવરી લેવાઈ છે. હવે વારંવાર હડતાળ કરતાં આરોગ્યકર્મીઓ સામે સરકાર કાર્યવાહી કરશે. ગુજરાત સરકારે બુધવારે હડતાળ પર રહેલા આરોગ્ય કર્મચારીઓ સામે આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ લાગુ કર્યો છે. આ કાયદા હેઠળ, આરોગ્ય સેવાઓને આવશ્યક તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, જેનો અર્થ એ થાય કે કામ પર પાછા ફરવાનો ઇનકાર કરનારા કર્મચારીઓને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
રાજ્ય સરકારે સંકેત આપ્યો છે કે હડતાળમાં ભાગ લેનારા ફિક્સ પગાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. નોંધનીય છે કે, પોલીસ અને ઉર્જા વિભાગ જેવી આવશ્યક સેવાઓ પહેલાથી જ ESMA હેઠળ આવરી લેવામાં આવી છે. હડતાળ પર બેઠેલા કર્મચારીઓ, જેમાં બહુહેતુક આરોગ્ય કાર્યકરો, મહિલા આરોગ્ય કાર્યકરો અને અન્ય તબીબી કર્મચારીઓનો સમાવેશ થાય છે, તેઓ વિભાગીય પરીક્ષાઓ રદ કરવા, પગારમાં વિસંગતતાઓ દૂર કરવા અને ટેકનિકલ ગ્રેડ પે લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. તેમની હડતાળ વધુ તીવ્ર બની છે, સમગ્ર ગુજરાતમાં વિરોધ મેળાવડા અને દેખાવો થઈ રહ્યા છે.
1972નો ગુજરાત આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ (ESMA) એ રાજ્યમાં આવશ્યક સેવાઓની અવિરત ડિલિવરી સુનિશ્ચિત કરવાના હેતુથી એક કાયદાકીય પગલું છે. આ કાયદા હેઠળ, સરકાર જાહેર કલ્યાણ માટે આવશ્યક ગણાતી સેવાઓમાં હડતાલ પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર ધરાવે છે. આ કાયદામાં “આવશ્યક સેવાઓ” ને રાજ્ય સરકાર હેઠળના તમામ રોજગારનો સમાવેશ થાય છે, જેમાં રાજ્ય વિધાનસભા સચિવાલય અને હાઇકોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.
વધુમાં, રાજ્ય સરકાર જાહેર ઉપયોગિતા સેવાઓ, જાહેર સલામતી અથવા આવશ્યક પુરવઠો જાળવવા માટે મહત્વપૂર્ણ ગણાતી કોઈપણ રોજગારને સત્તાવાર ગેઝેટમાં સૂચના દ્વારા આવશ્યક સેવા તરીકે જાહેર કરી શકાય છે. રાજ્ય સરકારને જાહેર હિતમાં જરૂરી લાગે તેવી પરિસ્થિતિઓમાં, તે આ આવશ્યક સેવાઓમાં હડતાળ પર પ્રતિબંધ મૂકવાના આદેશો જારી કરી શકે છે.