રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 28 થી 30 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, દરિયા કિનારાના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે અને ત્યાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનફૂંકાઈ શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી જવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. અગાઉ પણ માર્ચ મહિનામાં થયેલા કમોસમી વરસાદ અને પવનને કારણે કેરીના પાકને ઘણું નુકસાન થયું છે અને હવે ફરીથી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
માવઠાની આગાહીને પગલે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે પ્રયત્નોથી સાવચેત રહેવું જરૂરી જણાય છે. જોકે, કમોસમી વરસાદ અને ભારે પવન કેરીના પાક માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને ભારે પવન દરમિયાન બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. 31 માર્ચે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, મધ્ય ગુજરાતના આણંદ અને પંચમહાલ અને ભરૂચ અને કચ્છમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે.





