રવિવારે ઓડિશાના કટકમાં બેંગલુરુ-કામખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસ (12551)ના અગિયાર એસી કોચ પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત નીપજ્યું હતું જ્યારે 8 અન્ય મુસાફરો ઘાયલ થયા હતા. તબીબી અને કટોકટી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.આ અકસ્માત માંગુલી પાસે આવેલા નિર્ગુન્ડી સ્ટેશન નજીક થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતને કારણે ત્રણ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. ફસાયેલા મુસાફરોને કામાખ્યા લઈ જવા માટે ખાસ ટ્રેન સાંજે 4:10 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી. તે કામાખ્યા જવા રવાના થઈ ગઈ છે.
કટકના ડીએમ દત્તાત્રેય ભાઉસાહેબ શિંદેએ એકના મોતની પુષ્ટિ કરી છે જ્યારે આઠ ઘાયલોને શ્રીરામ ચંદ્ર ભંજ મેડિકલ કોલેજ (SCBMCH)માં રિફર કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે. અકસ્માત બાદ ગરમીને કારણે કેટલાક મુસાફરો બીમાર પણ પડ્યા હતા. આરોગ્ય શિબિરમાં તેમને દવાઓ આપવામાં આવી હતી. અગાઉ, પૂર્વ તટ રેલવેના સીપીઆરઓ અશોક કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે બેંગલુરુથી આસામના ગુવાહાટીમાં કામાખ્યા જઈ રહેલી ટ્રેન બપોરે 12 વાગ્યાની આસપાસ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં બધા મુસાફરો સુરક્ષિત છે.