ફરી એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના ધંધુકા ફેદરા હાઈવે પર રાયકા ગામ નજીક બે કાર સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. ટક્કર એટલી ભયાનક હતી કે એક કારનો ડ્રાઈવર સાઈડનો ભાગ જ આખો ચિરાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક ધંધુકા અને ફેદરા ખાતેથી બે 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ગંભીર ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ધંધુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી છે.