રફ હીરાનું ટ્રેડિંગ કરતી ડી-બિયર્સ કંપનીએ વર્ષની ત્રીજી સાઈટ જાહેર કરી હતી. જેમાં માર્કેટ સ્ટેબલ રહે તે માટે તમામ પ્રકારના ભાવ સ્થિર રાખ્યા છે. છેલ્લાં અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે. પંરતુ છેલ્લા 2 મહિનાથી ડાયમંડની માંગમાં વધારો થઈ રહ્યો છે. ડી-બિયર્સે 31 માર્ચથી 8 એપ્રિલ સુધી રફ હીરાની હરાજી માટેની સાઈટ બહાર પાડી હતી, જેમાં ગત સાઈટની જેમ ભાવ સ્થિર રાખ્યા છે.
ભાવ સ્થિર રહેતાં હીરા વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે. મંદીના સમયમાં વેપારીઓ દ્વારા કારખાનાં તો ચલાવવામાં આવતા હતાં પરંતુ તૈયાર હીરાનું વેચાણ ખુબ જ ઓછું થતું હતું, જેના કારણે વેપારીઓ પાસે મોટી માત્રામાં તૈયાર હીરાનો સ્ટોક પડ્યો છે. છેલ્લા 2 મહિનાથી માર્કેટમાં ધીમે ધીમે ડિમાન્ડ વધી છે, જેથી માર્કેટ આગામી સમયમાં ચાલશે તેવી આશા હીરા વેપારીઓમાં બંધાઈ રહી છે. માર્કેટમાં પોઝિટિવ મૂવમેન્ટ આવવાના કારણે હીરા વેપારીઓ દ્વારા પણ રફ હીરાની ખરીદી શરૂ કરવામાં આવી છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ખૂંટે કહ્યું કે, ડી-બિયર્સના હરાજીના ભાવ આ વખતે સ્થિર રહ્યા છે, જેના કારણે પોલિશ્ડ હીરાના ભાવ પણ સ્થિર રહેશે. માર્કેટમાં ધીમે ધીમે ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ડિમાન્ડ હજુ પણ વધશે તેવી સંભાવના છે.