એપ્રિલની શરૂઆત થતાં જ ગરમીએ એનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગે આજે કચ્છ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરી હતી. રાજ્યમાં આજે સતત બીજા દિવસે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં આજે ગરમીનો પારો 42.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. સુરેન્દ્રનગર સિવાય અન્ય 16 શહેરમાં પણ ગરમીનો પારો 39 ડિગ્રી પાર પહોંચી ગયો હતો.
સાયક્લોનિક સકર્યુલેશનને લીધે રાજ્યભરમાં ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીનાં ચિંચલી સહિત સરહદી વિસ્તારમાં બુધવારે મોડી સાંજે કમોસમી વરસાદ પડતાં પાણીની રેલમછેલ જોવા મળી હતી. બીજી તરફ ડાંગ જિલ્લામાં સતત ત્રણ દિવસની મૌસમનો મિજાજ બદલાતાં ગરિમથક સાપુતારા, આહવા, વધઇ અને સુબીર પંથકમાં વાદળાછાયું વાતાવરણ સર્જાયું છે.ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મોસમનો મિજાજ બદલાયો છે. ક્યાંક કમોસમી વરસાદના છાંટણા તો ક્યાંક ઝરમરીયો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે. સતત ત્રીજા દિવસે પણ ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ અને સુબીર પંથકમાં વાદળછાયુ વાતાવરણ છવાઈ રહ્યું હતું. પૂર્વપટ્ટીનાં ચિંચલી, મોરઝીરા, કોદમાળ સહિત સરહદીય પંથકોમાં ભરઉનાળે મધ્યમ સ્વરૂપનો કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.