અયોધ્યામાં 6 એપ્રિલે રામ નવમી મનાવવામાં આવશે અગાઉ, મંદિરના 5 શિખરોની અભિષેક પૂજા કરવામાં આવી હતી. રામ મંદિરના પુજારી આચાર્ય દુર્ગા પ્રસાદે વિધિ મુજબ પૂજા કરી હતી. કલશ પૂજનના મુખ્ય યજમાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી મહંત કમલનયન દાસ રહ્યા હતા. તેમણે શિખરની પૂજા કરી. શિખર લગાવ્યા પછી, તેના પર સ્વર્ણ કળશ સ્થાપિત કરવામાં આવશે.
પુજારી આચાર્યએ જણાવ્યું હતું કે રામ મંદિરના શિખરની સ્થાપનાની પૂજા 11 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોના જાપ સાથે શરૂ કરવામાં આવી છે. રામ નવમીના શુભ અવસર પર આ પૂજાની શરૂઆત બધા રામ ભક્તો માટે ખૂબ જ શુભ અને આનંદની વાત છે. રામ નવમી પર લગભગ 20 લાખ ભક્તો અયોધ્યા પહોંચવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, ત્રણ દિવસ એટલે કે 4, 5 અને 6 એપ્રિલે રામલલ્લાના દર્શનના સમયમાં ફેરફાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, રામલલાના દર્શન સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી થઈ શકે છે. હાલમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રામ મંદિર નિર્માણની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે મંદિરની ટોચ પર પથ્થરોના ફક્ત પાંચ લેયર મૂકવાના બાકી હતા, અને હવે આ પ્રક્રિયા અંતિમ પૂજા સાથે પૂર્ણ થવા જઈ રહી છે. આ વખતે રામલલ્લાની જન્મજયંતિ સંપૂર્ણ રીતે બંધાયેલા મંદિરમાં ઉજવવામાં આવશે, જે બધા ભક્તો માટે એક ઐતિહાસિક ક્ષણ હશે.રામ નવમી ઉત્સવના આયોજનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ભવ્ય સમારોહ માટે રામ મંદિરને રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. સુગ્રીવ કિલ્લા અને અંગદ ટીલામાં ફૂલોથી પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે. રામ મંદિરમાં રામ નવમી પર સૂર્ય કિરણોથી રામલલ્લાનો અભિષેક કરવાની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે.