જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે ગઈકાલે એક પરિવારમાં કરુણાતીકા સર્જાઈ છે. જેમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી દેતા તમામના મૃત્યુ નિપજ્યા છે. આ બનાવને લઈ સુમરા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. જ્યારે પોલીસને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે સ્ટાફ દોડી ગયો હતો. અને મૃતકોના મૃતદેહનો કબજો સાંભળી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી ભાનુબેન જીવાભાઇ ટોરીયા નામની ૩૨ વર્ષની ભરવાડ મહિલાએ ગઈકાલે બપોરે પોતાના ઘર પાસે આવેલા એક કૂવામાં પોતાના ૧૦ વર્ષથી લઈને ૩ વર્ષ સુધીના ચાર સંતાનો જેમાં આયુષ (૧૦), આજુ (૮), આનંદી (૪) તેમજ ઋત્વિક (૩) વગેરેને સાથે લઈને કુવામાં ઝંપલાવી દીધું હતું. જેથી તમામના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા હતા. આ સામુહિક આપઘાતની ઘટનાની જાણ થતાં સમગ્ર ગામમાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, અને ભરવાડ પરિવારમાં ગમગીની છવાઈ હતી.
આ બનાવની જાણ થવાથી ગામ લોકોએ એકત્ર થઈને તમામ મૃતદેહોને એક પછી એક પાણીમાંથી બહાર કઢાવ્યા હતા. જે બનાવ અંગે પોલીસને જાણકારી મળતાં ધ્રોલની પોલીસ ટુકડી તાબડતોબ સુમરા ગામે પહોંચી ગઈ હતી, અને પાંચેય મૃતદેહોને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પહોંચાડયા હતા, જયાં પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાવને લઈને ધ્રોલ પોલીસ દ્વારા ભરવાડ પરિવાર તથા અન્ય ગ્રામજનો વગેરેના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. નાના એવા સુમરા ગામમાં આ બનાવને લઈને કરુણતા સર્જાઈ છે. અને એક પણ ચૂલો સળગ્યો ન હતો.