બોલિવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. આ કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનોજ કુમાર ભારતીય સિનેમામાં ‘ભારત કુમાર’ તરીકે જાણીતા છે. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મનોજ કુમારને 7 ફિલ્મફેર એવોર્ડ મળ્યા. પહેલો ફિલ્મફેર એવોર્ડ 1968માં ફિલ્મ ઉપકાર માટે મળ્યો હતો. ઉપકાર ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સંવાદ માટે ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા. 1992માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 2016માં તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.મનોજે લાલ બહાદુર શાસ્ત્રીની વિનંતી પર ઉપકાર (1967) ફિલ્મ બનાવી, પરંતુ શાસ્ત્રીજી આ ફિલ્મ જોઈ શક્યા નહીં. શાસ્ત્રીજીનું અવસાન 1966માં થયું.
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા મનોજ કુમાર અમારા પ્રેરણાસ્ત્રોત અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના મહારથી હતા. તેઓ હવે આપણી વચ્ચે નથી. આ આપણી સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે એક મોટું નુકસાન છે. આપણે હંમેશા તેમને યાદ રાખીશું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનોજ કુમારને શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું: ‘સુપ્રસિદ્ધ અભિનેતા અને ફિલ્મ નિર્માતા શ્રીમનોજ કુમારજીના નિધનથી ખૂબ દુઃખ થયું.’ તેઓ ભારતીય સિનેમાના પ્રતિક હતા, ખાસ કરીને તેમના દેશભક્તિના ઉત્સાહ માટે યાદ કરવામાં આવતા હતા, જે તેમની ફિલ્મોમાં પ્રતિબિંબિત થતું હતું. મનોજજીના કાર્યથી રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગી છે અને તે પેઢી દર પેઢી પ્રેરણા આપતી રહેશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.