દ્વારકા નગરીમાં રિલાયન્સના ડાયરેકટર તેમજ પ્રાણી અને પર્યાવરણપ્રેમી અનંત અંબાણીની દસ દિવસ ચાલેલી ૧૪૦ કિમી લાંબી પદયાત્રા પુરી થઈ છે. સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી દ્વારા તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની ૧૪૦ કિ.મી.ની પદયાત્રા તા. ૨૮ માર્ચથી શરૂ થઈ રામનવમીના પાવન દિને સંપન્ન થઈ છે. આ પદયાત્રાને ઠેર-ઠેર દ્વારકા તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક વધાવવામાં આવી હતી.
અનંત અંબાણીએ પધ્યાત્રાના સમાપન પ્રસંગે પવિત્ર ગોમતીઘાટની મુલાકાત લઈને ગોમતીપૂજન કર્યું હતું તથા શારદાપીઠ ખાતે શ્રી પાદૂકાપૂજનનો લાભ લીધો હતો. આ ઉપરાંત દ્વારકા શંકરાચાર્ય પીઠના બ્રહ્મચારી નારાયણાનંદજીના આશીર્વચન મેળવી તેમણે દ્વારકાધીશની ધજાનું પૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લાના વહીવટીતંત્ર અને શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણી દ્વારા તેઓનું અભિવાદન કરાયું હતું. દ્વારકાના તમામ જ્ઞાતિ-સમાજો, હોટેલ એસોસિયેશન, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ તથા નગરશ્રેષ્ઠીઓએ પદયાત્રાના પુરી થતા અનંત અંબાણીનું સ્વાગત કર્યુ હતુ.
રબારી-માલધારી સમાજના લોકોએ આ પદયાત્રાના વધામણા કરી કાળિયા ઠાકરના ભક્ત શ્રી અનંત અંબાણીનું પોતાના પારંપરિક અને સાંસ્કૃતિક વિધિવિધાનથી સ્વાગત કર્યું હતું. શ્રી અનંત અંબાણીના સ્વાગતમાં દૂરદૂરથી હાથી-ઘોડા લાવીને તેની અનેરી સજાવટ કરીને પદયાત્રાને શોભાયમાન કરવામાં આવી હતી. આ પ્રસંગે 400થી ઋષિકુમારો તથા 250થી વધુ ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મંગલગાન કરતા મંદિર સુધી પદયાત્રામાં જોડાયા હતા. દ્વારકા નગરને જુદાજુદા ક્ષેત્રના કલાકારોએ પોતાની કલાના અદભુત પ્રદર્શન થકી શોભાવી હતી. આ પ્રસંગે અંબાણી પરિવાર દ્વારા દ્વારકાના સમસ્ત નગરજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તમામ જ્ઞાતિના આશરે 10 હજાર જેટલા પરિવારના 1 લાખથી વધુ સભ્યોની પ્રસાદિ સેવા કરવામાં આવી હતી. આ ઉપરાંત રામનવમીના પવિત્ર દિવસે દ્વારકાધીશના દર્શને આવેલા તમામ શ્રદ્ધાળુઓને અંબાણી પરિવાર તરફથી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જગતમંદિરના સ્વર્ગદ્વાર પર આવેલા અન્નક્ષેત્રમાં દિવસ દરમિયાન સતત અન્નસેવા ચાલુ રાખવામાં આવી હતી. એટલું જ નહીં, મંદિર પરિસરના આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ દિવસ દરમિયાન પ્રસાદ સેવા અવિરત જારી રહી હતી. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણાહૂતિને ઉજવવા દ્વારકાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, દૂરદૂરથી જગતમંદિરને નિહાળી શકાય તે માટે મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર ઉપરાંત ગર્ભગૃહની આકર્ષક અને સુગંધીદાર પૂષ્પો વડે નયનરમ્ય સજાવટ કરવામાં આવી હતી.