શેરબજારમાં સળંગ ત્રણ દિવસના કડાકાભડાકા બાદ રાતોરાત ચિત્ર બદલાયુ હોય તેમ આજે દુનિયાભરનાં માર્કેટો બાઉન્સબેક થયા હતા. અને જોરદાર તેજી થઈ હતી. જાપાન જેવા દેશોએ અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરી હોવાના રીપોર્ટ તથા ટેરીફ સામે ટ્રમ્પના સમર્થકો જ લાલબતી લાગતા કાંઈક બદલાવ થવાના આશાવાદથી ગભરાટ હળવો થયો હતો.શેરબજારમાં આજે શરૂઆત જ ગેપઅપ હતી. ગઈરાત્રે અમેરિકામાં ડાઉજોન્સ તથા નાસ્ડેક કડાકા બાદ વધીને બંધ આવતા હતા તે પછી આજે જાપાન, હોંગકોંગ, ચીન જેવા એશીયન તથા ઓસ્ટ્રેલીયા જેવા દુનિયાના અન્ય શેરબજારોમાં તેજી થતા માર્કેટનો મૂડ બદલ્યો હતો તેના પ્રભાવ હેઠળ ભારતીય શેરબજાર પણ ઉંચુ ખુલ્યુ હતું.
હેવીવેઈટ સહિતના શેરોમાં નીચા મથાળે નવી લેવાલી તથા વેચાણ કાપણીથી ઉછાળો ઝડપી બન્યો હતો. સોમવારનાં કડાકામાં વિદેશી સંસ્થાઓની 9000 ક્રોડની વેચવાલી સામે લોકલ ફંડોએ 12000 કરોડથી વધુની જંગી ખરીદી કરી હોવાના રીપોર્ટથી અમુક અંશે રાહત હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટ્રેડવોર અને ટેરિફ સંબંધી નવા-નવા વિધાનો રિપોર્ટ માર્કેટ પર પ્રભાવ પાડતા રહેશે અને તેના આધારિત મોટી વધઘટનો દોર યથાવત રહેવાની સંભાવના છે.
શેરબજારમાં સોમવારે મોટાભાગનાં શેરો લાલ નિશાન પર હતા તે આજે ‘ગ્રીન કલર’ દેખાડવા લાગ્યા હતા. તમામ ક્ષેત્રોના શેરો ઉંચકાયા હતા. ટેક મહિન્દ્ર, ટાઈટન, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી પોર્ટ, અલ્ટ્રાટ્રેક સીમેન્ટ, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મારૂતી, એનટીપીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ભારત ઈલે, બીએસઈ, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઈનાન્સ સહિતના શેરોમાં ઉછાળો હતો.મુંબઈ શેરબજારનો સેન્સેકસ 1144 પોઈન્ટના ઉછાળાથી 74282 હતો તે ઉંચામાં 74421 તથા નીચામાં 73993 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 351 પોઈન્ટ વધીને 22512 હતો. તે ઉંચામાં 22577 તથા નીચામાં 22446 હતો.બીએસનુ માર્કેટકેપ 6 લાખ કરોડ વધીને 395.02 લાખ કરોડ થયુ હતું.