JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા આજે (9 એપ્રિલે) વિશ્વના 108થી વધુ દેશમાં ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ઐતિહાસિક આયોજન કરાયું છે, જેમાં 25 હજાર જેટલાં લોકો હાજર રહ્યાં છે. ગુજરાતભરમાં નવકાર મંત્રનું પઠન કરવામાં આવી રહ્યું છે. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્ત્વપૂર્ણ આયોજન જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે, જે અદ્ભુત ક્ષણ સાબિત થશે. આ નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે. વડોદરાના નવલખી મેદાન ખાતે આચાર્ય રત્નાચલસુરી મહારાજ, પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજ, ગોંડલ સંપ્રદાયના પ્રબોધિકાબાઈ મહાસતીજી, અનન્યાજી, શુભમજી, વિશુધ્ધિજી મહાસતીજી સહિતના સાધુ-સાધ્વી-ભગવંતોની નિશ્રામાં નવકારમહામંત્રનું અનુષ્ઠાન 12000 ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં શરૂ થયું છે.