સમગ્ર રાજ્યમાં હવે ટ્રાન્સપોર્ટ વાહનો માટે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા ઇ ડિટેકશન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. જેમાં જો તમે રાજયના કોઈ પણ ટોલ પ્લાઝા પરથી પસાર થાવ છો તો હવે ફાસ્ટ ટેગની જેમ તમારા ટ્રાન્સપોર્ટ વાહનની માહિતી સર્વર સાથે કનેક્ટ થઈ હવે ઇન્શ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ વગરના વાહનોને ઇ ડિટેક્શન દ્વારા સીધો ઇ મેમો જનરેટ કરવામાં આવશે. ત્યારે હવે રાજ્યભરમાં તમારું ટ્રાન્સપોર્ટ વાહન લઈને જાઓ છો તો ચેતી જજો. આાગામી દિવસોમાં આ સિસ્ટમમાં ખાનગી વાહનોને પણ સમાવી લેવામાં આવશે.
તાજેતરમાં જ વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઇ ડિટેકશન પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યમાં જેટલા પણ ટોલ પ્લાઝા આવેલા છે, ત્યાંથી તમારું ટ્રાન્સપોર્ટ વાહન પસાર થઈ રહ્યું છે અને જો વાહનનો ઇન્સ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ નથી, તો સીધું જ ઈ ડિટેકશન ટોલ પ્લાઝા પર થશે અને તમારા વાહનો ઈ મેમો જનરેટ થઈ જશે. NIC દ્વારા આ પ્રોજેકટ હેઠળ ઇ ડિટેક્શન અને વાહન એપ્લિકેશન સાથે ઇન્ટ્રિગ્રેટેડ કરવામાં આવી છે અને તેના દ્વારા આ ઇ ચલણ જનરેટ કરવામાં આવશે.
રાજ્યભરના 80થી વધુ ટોલ પ્લાઝા પર આ ઇ ડિટેક્શન મેમોની શરૂઆત થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે આ માત્ર ટ્રાન્સપોર્ટ વાહનો માટે હાલમાં શરૂ કરાઈ છે. સમગ્ર રાજ્યમાં ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઇન્સ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ હોય તો ટોલ પ્લાઝા પરથી વાહન પસાર થશે. ત્યારબાદ તેના ડેટાના આધારે ઈ મેમો ઇસ્યૂ કરવામાં આવશે. જે તે વાહન ચાલકને વાહનમાં જે મોબાઈલ નંબર અપડેટ હશે તેના મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.