સુરતમાં 118 રત્નકલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપી નિકુંજ હિતેષભાઈ દેવમુરારીને પોલીસે ઝડપી પાડ્યો છે. મેનેજરના ભાણિયા નિકુંજે જ પાણીમાં દુર્ગંધની જાણ કરી હતી અને એ જ આરોપી નીકળ્યો છે. આરોપી નિકુંજના મામા અનભ જેમ્સમાં મેનેજર છે અને નિકુંજ પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. નિકુંજે મિત્ર પાસેથી 10 લાખ ઉધાર લીધા હતા. જે ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો.
સવારે દુકાનમાંથી ઝેરી દવા સેલ્ફોસ ખરીદી હતી. ફિલ્ટર પાસે જઈને આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાંખીને પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન થતાં તે ત્યાં ઊભો રહી ગયો હતો. જે બાદ લોકોની અવરજવરથી ભયભીત થઈ ગયો અને કોઈને ખબર ન પડે તે માટે સેલફોસનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું હતું. નિકુંજ લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યો હતો. જેથી તેણે ઉધારમાં દસ લાખ રૂપિયા લીધા હતા, પરંતુ ચૂકવી શકવાની સ્થિતિમાં નહોતો. નિકુંજે જે વિગત આપી છે તે સાચી છે કે નહીં તેની તપાસ પણ હાલ કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
કાપોદ્રા પીઆઇ એમ. બી. ઔસુરાના જણાવ્યા પ્રમાણે, અનભ જેમ્સના મેનેજર હરેશ લશ્કરીનો નિકુંજ સગો ભાણેજ થાય છે. પહેલા દિવસથી પોલીસને નિકુંજ ઉપર શંકા હતી. જેથી તેના હાવભાવ અને તેની વર્તણૂંક પર વોચ રાખવામાં આવી રહી હતી. નિકુંજ ખુદ હોસ્પિટલમાં દાખલ થઈને તેને પણ ઝેરી પાણી પીધા બાદ અસર થઈ હોય તેઓ ઢોંગ કર્યો હતો. હોસ્પિટલમાંથી નિકુંજને રજા મળતાની સાથે જ તેની પર વોચ રાખવામાં આવી રહી હતી.
નિકુંજ ઉપર શંકા પ્રમાણેનું વર્તન સામે આવતા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તે વાતે વાતે અલગ નિવેદન આપી રહ્યો હતો. જેથી તેની કડક પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો. તેના મોબાઈલની તપાસ કરવામાં આવતા ઓનલાઇન ગ્રોસરી વેચવાના ધંધામાં તેને નુકસાન થતાં દેવું થઈ ગયું હતું. મિત્રો પાસેથી ઉધારમાં તેણે 10 લાખ રૂપિયા લીધા હતા. જે ચૂકવી શકે તેવી સ્થિતિ ન હોવાથી તેણે આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી નિકુંજે પોલીસને જણાવ્યું હતું કે, દસ લાખ જેટલું દેવું થઈ જવાના કારણે તેને ઘઉંમાં નાખવાની આ સેલ્ફોસ નામની દવા ખરીદી હતી અને ત્યારબાદ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે હિંમત નહીં થતા અને કોઈ જોઈ જશે તેવા ભાઈના કારણે તેણે આ સેલફોસની પડીકી ફિલ્ટરની અંદર નાખી દીધી હતી. ત્યારબાદ થોડા સમય બાદ તેની ગંભીરતા જોતા તે જ મામા હરેશ લશ્કરીને કહેવા ગયો હતો.