નવા વકફ કાયદાના વિરોધમાં, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડએ શુક્રવારથી દેશવ્યાપી ‘વકફ બચાવો અભિયાન’ શરૂ કર્યું. આ કારણે, દેશભરમાં મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યા. પ્રદર્શનકારીઓએ બસો સળગાવી અને પથ્થરમારો કર્યો. અહેવાલો અનુસાર, ગોળી વાગવાથી ત્રણ લોકોના મોત પણ થયા છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે BSF તૈનાત કરવામાં આવ્યું છે.હાલમાં, આ વિસ્તારમાં રોડ અને રેલ ટ્રાફિક અને ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. NH12ને શમશેરગંજમાં સુતિર સાજુર વળાંક પર બ્લોક કરવામાં આવ્યો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે અનેક રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા.
ડાયમંડ હાર્બરના અમટાલા સ્ક્વેર ખાતે વિરોધ કરી રહેલા મુસ્લિમ ટોળા દ્વારા ધોળા દિવસે પોલીસ વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી. આમાં 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.પશ્ચિમ રેલ્વેએ એક નિવેદન પણ બહાર પાડ્યું છે કે લગભગ 5000 લોકોના ટોળાએ બપોરે 2.46 વાગ્યે અઝીમગંજ-ન્યૂ ફરક્કા સેક્શનમાં ધુલિયાનગંગા સ્ટેશન નજીક ટ્રેક બ્લોક કરી દીધો હતો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ‘વક્ફ બચાવો અભિયાન’નો પ્રથમ તબક્કો 07 જુલાઈ સુધી એટલે કે 87 દિવસ સુધી ચાલશે. આમાં વકફ કાયદાના વિરોધમાં 1 કરોડ સહીઓ એકત્રિત કરવામાં આવશે. જે પીએમ મોદીને મોકલવામાં આવશે. આ પછી આગામી તબક્કાની રણનીતિ નક્કી કરવામાં આવશે.