2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસે હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવવા માટે રાહુલ ગાંધી આજે 37 દિવસમાં ત્રીજીવાર ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. 3 એપ્રિલે દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં દેશભરના જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વધુ સત્તા આપવાનો નિર્ણય કરાયો હતો. અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે યોજાયેલા અધિવેશનના બીજા દિવસે પણ ખડગેએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, કોંગ્રેસ હવે જિલ્લા પ્રમુખોને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં સામેલ કરશે.
9 એપ્રિલે અધિવેશન પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી ફરી ગુજરાત આવે તે પહેલાં જ કોંગ્રેસે ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખ નક્કી કરવા માટે AICCના 50 અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના 183 નેતાઓની નિરીક્ષકો તરીકે નિમણૂક કરી દીધી છે. આ નિરીક્ષકો સાથે આજે રાહુલ ગાંધી અમદાવાદમાં ઓરિએન્ટેશન બેઠક યોજશે.
સામાન્ય રીતે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં ચૂંટણી સમયે એક્ટિવ થતું હોય છે. પરંતુ, રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ કોંગ્રેસે ગુજરાત પર વધુ ફોકસ કર્યું છે. રાહુલ ગાંધી ખુદ છેલ્લા 37 દિવસમાં ત્રીજી વાર ગુજરાત આવી રહ્યા છે. 7-8 માર્ચ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી સૌ કોઈનો મત જાણ્યો હતો. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસમાં ફેરફાર કરવાની વાત કરી હતી. જેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. ભાજપને હરાવવાની ચેલેન્જના પહેલા સ્ટેપ તરીકે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું, જેના માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના તમામ મોટા નેતાઓએ 2 દિવસ ગુજરાતમાં ધામા નાખ્યા હતા.