બાબા રામદેવના શરબત જેહાદ કેસની સુનાવણી આજે દિલ્હી હાઈકોર્ટમાં થશે. બાબા રામદેવે હમદર્દ કંપનીનું નામ લીધા વિના રૂહ અફઝાને ‘શરબત જેહાદ’ કહ્યું હતું. આ પછી વિવાદ વધ્યો. 2 મેના રોજ થયેલી છેલ્લી સુનવણી દરમિયાન હાઈકોર્ટે રામદેવના નવા વીડિયો પર તીખી ટિપ્પણીઓ કરી હતી. જસ્ટિસ અમિત બંસલે કહ્યું કે રામદેવ કોઈના નિયંત્રણમાં નથી. તેઓ પોતાની દુનિયામાં રહે છે.
ન્યાયાધીશ બંસલે એમ પણ કહ્યું કે, છેલ્લાં આદેશને ધ્યાનમાં રાખીને એફિડેવિડ અને આ વીડિયો પ્રથમ દૃષ્ટિએ અવમાનના હેઠળ આવે છે. હું હવે અવમાનના નોટિસ જાહેર કરીશ. અમે તેમને અહીં બોલાવી રહ્યા છીએ.કોર્ટે ગુરુવારે માહિતી આપી હતી કે બાબા રામદેવે એક નવો વીડિયો બહાર પાડ્યો છે જેમાં હમદર્દ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવામાં આવી છે. આ નવો વીડિયો ક્યારે આવ્યો તેની કોઈ માહિતી નથી. આ પહેલા 22 એપ્રિલના રોજ, હાઈકોર્ટે રામદેવને આપેલા આદેશમાં કહ્યું હતું કે – હમદર્દ ઉત્પાદનો અંગે કોઈ નિવેદન ન આપો કે ન તો કોઈ વીડિયો શેર કરો.
જ્યારે હાઈકોર્ટે રામદેવના વીડિયો પર નારાજગી વ્યક્ત કરી, ત્યારે તેમના વકીલે કહ્યું કે યોગ ગુરુના નવીનતમ વીડિયોનો વાંધાજનક ભાગ 24 કલાકની અંદર દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવશે. આના પર કોર્ટે કહ્યું કે જો તમે આદેશનું પાલન કર્યું હોય તો એક અઠવાડિયાની અંદર સોગંદનામું દાખલ કરો.