અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલી મદરેસામાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને આજે વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. આ મદરેસામાં ભણાવતો મૌલાના મોહંમદફઝલ અબ્દુલ અજીજ શેખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ ગુજરાત ATS મૌલાનાની તપાસ કરી રહી છે.
આ અંગે ધારી પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી હતી, જેમાં મકાનનું ટાઇટલ ચેક કરતાં આ મકાન 100 ચોરસવારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું. આ પ્લોટ જે-તે વખતે લેન કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો, જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું હતું, જેથી આ પ્લોટ લેન કમિટી પ્રમાણે શરતભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવ્યો છે અને પ્લોટ પર થયેલું બાંધકામ તોડવામાં આવ્યું છે.
આ અંગે DySP રાઠોડે જણાવ્યું હતું કે SDM અને ધારી મામલતદારની તપાસમાં આ મદરેસાનું બાંધકામ શંકાસ્પદ લાગતાં રેવન્યુમાં કેસ ચલાવવામાં આવ્યો હતો અને આધાર પુરાવા માગવામાં આવ્યા હતા, જોકે કોઇ આધાર પુરાવા ન મળતાં આજે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઇ છે. કોઇ અનિચ્છીય બનાવ ન બને એ માટે બે DySP, ત્રણ PI અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ હાજર છે.