રશિયાના કલિનિનગ્રાહ શહેરમાં બનાવાયેલ નવું યુદ્ધ જહાજ આઈએનએસ તમાલ ભારતીય નૌકાદળમાં
સામેલ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તમાલ યુદ્ધ જહાજ અત્યાધુનીક બ્રહ્મોસ સુપરસોનિક
ક્રૂઝ મિસાઈલથી લેસ છે. આ મિસાઈલમાં દુશ્મનના યુદ્ધ જહાજોને ટાર્ગેટ કરવાની તેમજ જમીન પરથી
પણ હુમલો કરવાની ક્ષમતા છે.
આઈએનએસ તમાલમાં અત્યાધુનિક ગાઈડેડ મિસાઈલ સ્ટીલ્થ ફ્રિગેટ છે, જે આકાશ, પાણી અને સપાટી
પર એક સાથે હુમલો કરવામાં સક્ષમ છે. આ જહાજ બ્રહ્મોસ એન્ટી-શિપ મિસાઈલથી સજ્જ છે તેમજ
એડવાન્સ સેન્સર તેમજ હથિયાર સિસ્ટમો સામેલ છે. એટલે કે આઈએનએસ તમાલથી સુપરસોનિક
મિસાઈલ ઝીંકી શકાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જહાજ પર મલ્ટી-રોલ હેલિકોપ્ટર પણ
સરળતાથી ઉતરી શકે છે. ભારત હવે પોતાના યુદ્ધજહાજોને સ્વદેશી રીતે ડિઝાઈન અને નિર્માણ કરવા
પર ધ્યાન આપી રહ્યું હોવાથી, INS તમાલ ભારતનું અંતિમ આયાત કરેલ યુદ્ધ જહાજ માનવામાં આવે
છે. વર્ષ 2016માં ભારત-રશિયા વચ્ચે ‘ચાર સ્ટીલ્થ ફ્રિગેટ નિર્માણ’ પર સમજૂતી કરવામાં આવી હતી.
કરાર મુજબ રશિયામાં બે અને ભારતમાં બે યુદ્ધ જહાજો બનાવાયા છે. ચાર યુદ્ધ જહાજોમાંથી
આઈએનએસ તમાલ બીજું યુદ્ધ જહાજ છે, જે રશિયામાં બનેલું છે.
આઈએનએસ તમાલની ગતિની વાત કરીએ તો તે પ્રતિ કલાકે 55.56 કિલોમીટરની ઝડપી ગતીએ
આગળ વધી શકે છે. જો દરિયામાં લાંબો રૂટ ખેડી અભિયાન પાર પાડવાનું થશે તો તમાલનો ઉપયોગ
કરી શકાશે. 3900 ટનના તમાલની લંબાઈ 125m છે. તેમાં 26 ટકા ભારતીય સ્પેર પાર્ટ્સનો ઉપયોગ
કરાયો છે. તમાલમાં દરિયાની સપાટી પરથી દેખરેખ રાખવા માટે અત્યાધુનિક રડાર પણ છે, જેનાથી
દુશ્મન દેશની સબમરીનને સરળતાથી શોધી શકાશે. યુદ્ધજહાજના અનેક પ્રકારના સેન્સર પણ સામેલ છે.