વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે મંગળવાર પહેલી જુલાઈથી જૂના વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો
હતો. જેમાં 15 વર્ષથી વધુ પેટ્રોલથી ચાલતા અને 10 વર્ષથી વધું ડિઝલથી ચાલતા વાહનો જપ્ત
કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વાહનોને ઈંધણ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો
છે. આ પહેલનો હેતુ રાજધાનીની હવાની ગુણવત્તા સુધારવાનો છે. પેટ્રોલ પંપો પર ટ્રાફિક પોલીસ, દિલ્હી
પોલીસ અને પરિવહન વિભાગના અધિકારીઓ તૈનાત રહ્યા હતા, આ નિર્ણયના કડક અમલ માટે
નિરીક્ષણ હાથ ધર્યું.
સરકારી સૂત્રો પ્રમાણે પહેલા દિવસે 98 જૂના વાહનો કેમેરામાં કેદ થયા, જેમાંથી 80 વાહનોને નોટિસ
જારી કરવામાં આવી છે. આમાં 45 નોટિસ પરિવહન વિભાગે, 34 નોટિસ દિલ્હી પોલીસે અને એક નોટિસ
એમસીડીએ ફટકારી. આ ઉપરાંત, 24 વાહનો જપ્ત કરવામાં આવ્યા. પેટ્રોલ પંપો પર ઓટોમેટિક નંબર
પ્લેટ રીડર કેમેરા લગાવવામાં આવ્યા છે, જે જૂના વાહનોને ઓળખે છે.
વિશેષ પોલીસ આયુક્ત (ટ્રાફિક)એ જણાવ્યું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દિલ્હીનું પર્યાવરણ
સુધારવાનો અને પ્રદૂષણ ઘટાડવાનો છે. આ નિયમ 1 નવેમ્બરથી દિલ્હીની આસપાસના વિસ્તારોમાં
પણ લાગુ થશે. જૂના વાહનોના માલિકોને 15 દિવસમાં તેમના વાહનો કબાડખાનામાંથી પાછા લેવા માટે
દંડ ભરવો પડશે અને પરિવહન વિભાગની એનઓસી મેળવીને દિલ્હીની બહાર વાહન રજિસ્ટર કરાવવું
પડશે.
ઉલ્લેખનીય છે કે, પહેલા દિવસે કેમેરામાં ઘણી ટેકનિકલ ખામીઓ પણ જોવા મળી. દિલ્હીના પૂસા રોડ
પર એક પેટ્રોલ પંપ ખાતે એક હ્યુન્ડાઇ આઇ-10 કારને કેમેરાએ ખોટી રીતે જૂનું વાહન ગણીને સ્પીકર
દ્વારા જાહેરાત કરી. જોકે, તપાસમાં જાણવા મળ્યું કે તેનું રજિસ્ટ્રેશન 29 માર્ચ 2028 સુધી માન્ય છે.
આવી ખામીઓને દૂર કરવા પરિવહન વિભાગ કામ કરી રહ્યું છે.