શુભમન ગિલ ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ કૅપ્ટન તરીકે ડબલ સેન્ચુરી ફટકારનારો ભારતનો તેમ જ એશિયાનો પહેલો
ખેલાડી બન્યો છે. તેણે ગુરુવારે એજબૅસ્ટન માં બીજી ટેસ્ટના બીજા દિવસે કરીઅરની પ્રથમ ડબલ સેન્ચુરી
નોંધાવી હતી અને એ સાથે બ્રિટિશરોની ધરતી પર એશિયાના શહેનશાહ બનવાની સિદ્ધિ પણ હાંસલ કરી
હતી. ગિલ 269 રનના પોતાના સ્કોર પર આઉટ થયો હતો. છેવટે ભારતનો પહેલો દાવ 587 રનના
સ્કોર પર પૂરો થયો હતો.
ગિલે પેસ બોલર જૉશ ટન્ગના બૉલને ડીપ ફાઇન લેગ તરફ મોકલીને સિંગલ રન લીધો એ સાથે
ઐતિહાસિક ડબલ સેન્ચુરી પૂરી કરી હતી. છેવટે ભારતના 574 રનના સ્કોર પર ટન્ગના બૉલમાં જ ગિલ
સ્ક્વેર લેગ પર ઑલી પૉપને સીધો કૅચ આપી બેઠો હતો. ગિલે 387 બૉલમાં ત્રણ સિક્સર અને 30
ફોરની મદદથી 269 રન કર્યા હતા.આ પહેલાં ઇંગ્લૅન્ડમાં એશિયન કૅપ્ટન તરીકે શ્રીલંકાના તિલકરત્ને
દિલશાનના 193 રન હાઇએસ્ટ હતા જે તેણે 2011ની સાલમાં લૉર્ડ્સમાં નોંધાવ્યા હતા.ભારતના ભૂતપૂર્વ
કૅપ્ટનોમાં ઇંગ્લૅન્ડની ધરતી પર આ પહેલાં મોહમ્મદ અઝહરુદ્દીનના સુકાની તરીકે 179 રન હાઇએસ્ટ સ્કોર
હતો જે તેણે 1990માં મૅન્ચેસ્ટરમાં નોંધાવ્યો હતો.ગિલે ઇંગ્લૅન્ડની ધરતી પર એક દાવમાં સૌથી વધુ
ટેસ્ટ-રન કરવાનો સુનીલ ગાવસકરનો 46 વર્ષ જૂનો ભારતીય વિક્રમ પણ તોડ્યો હતો. ગાવસકરે
1979માં ઓવલની ઇનિંગ્સમાં 221 રન કર્યા હતા જે અત્યાર સુધી ભારતીયોમાં સૌથી મોટો વ્યક્તિગત
સ્કોર હતો. જોકે હવે ગિલના 269 રન સૌથી વધુ છે.