ED (એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ)એ બુધવારે પંજાબમાં ખેડૂત સંગઠનના વિવિધ નેતાઓના નિવાસ સ્થાને અને ઓફિસોમાં દરોડા પાડ્યા છે. ભારતીય કિસાન યુનિયન (ટોટેવાલ)ના અધ્યક્ષ સુખગિલ સહિત પંજાબના અનેક ખેડૂત નેતાઓ સામેલ છે. હાલ કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓએ સ્પષ્ટતા આપી નથી કે, તેમણે કયાં આરોપોસર ખેડૂત નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
પંજાબના મોગા જિલ્લાના ટોટા સિંહ વાલા ગામનો રહેવાસી સુખગિલ આશરે 12 વર્ષ પહેલાં ઓર્કેસ્ટ્રામાં ડાન્સર હતાં અને લગ્ન સમારોહમાં પણ ડાન્સ કરતાં હતાં. તે પંજાબી ફિલ્મોમાં અભિનેતા પણ રહ્યા છે. 2016માં તે સ્થાનિક ટીવી અને વેબ ચેનલ્સ માટે રાજનેતાઓનું ઈન્ટરવ્યૂ લેતાં હતાં અને પત્રકાર બન્યા હતાં. તે શિરોમણી અકાલી દળના મોગા યુનિટમાં પદાધિકારી પણ બન્યા હતાં. બીકેયુ (ટોટેવાલ)ના પ્રદેશ અધ્યક્ષ પણ છે. 21 વર્ષીય જસવિન્દર સિંહ નામના શખ્સની ફરિયાદ પર સુખગિલ વિરૂદ્ધ પોલીસે રૂ. 45 લાખનો ઈમિગ્રેશન ફ્રોડની ફરિયાદ નોંધી હતી. જસવિન્દર સિંહ પંજાબના 127 લોકો પૈકી એક છે, જેને હાલ અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.