વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની
વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. ગઈકાલે આ
દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્ય પ્રધાન દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા
કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું.
મુખ્ય પ્રધાને નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના
સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ
તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા
બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર
જણાયેલાં અધિકારીઓ એન.એમ. નાયકાવાલા – કાર્યપાલક ઇજનેર, યુ.સી. પટેલ – નાયબ કાર્યપાલક
ઇજનેર, આર.ટી.પટેલ – નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે.વી. શાહ – મદદનીશ ઇજનેરને તાત્કાલિક
અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય કર્યો હતો.આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતી
ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ
મુખ્યપ્રધાને આપી હતી.