રિયલ એસ્ટેટને રેગ્યુલેટ કરવા માટે નિયુક્ત કરવામાં આવેલી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી
(RERA)બિલ્ડર્સની લૂંટ સામે આંખ આડા કાન કરી રહી છે. રિયલ એસ્ટેટના ડેવલપર્સ અને બિલ્ડર્સ
મનસ્વી રીતે ભાવ વસૂલી રહ્યા છે તેના પર રેગ્યુલેટરી ઓથોરિટીનો કોઈ જ અંકુશ નથી. રિયલ એસ્ટેટને
રેગ્યુલેટ કરવાને બદલે રેરા રિયલ એસ્ટેટને પ્રોટેક્ટ કરનારી ઓથોરિટી બની ગઈ છે.
કારપેટ એરિયાના ભાવથી વેચવાનું નક્કી કરવામાં આવ્યું હોવા છતાંય બિલ્ડર્સ ઓન મની પેટે લગભગ
40% થી વધુ રકમ મેળવી લે છે. આમ બાંધકામ ઉદ્યોગમાં ઓન મનીનું ચલણ ઓછું કરવાની કવયાત
પર લગભગ નિષ્ફળ ગઈ છે. બિલ્ડર્સ સામેની ફરિયાદના કિસ્સાઓમાં પણ લોકોને ન્યાય આપવાને બદલે
બિલ્ડર્સને જ વધુ સાચવવાનું વલણ રેરાના અધિકારીઓમાં જોવા મળી રહ્યું છે.
રહેઠાણ અને કોમર્શિયલ પ્રોપર્ટીના ચોરસ મીટરદીઠ ભાવ 2024-25માં રૂા. 54,139ની સર્વોચ્ચ સપાટીએ
ગયા છે અને તેમાં પાંચ વર્ષમાં 35 થી 37%નો વધારો થયો હોવાનું રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી
ઓથોરિટીના કોમ્પ્રિહેસિવ એનાલિસિસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. સુપરબિલ્ટઅપે એરિયાના ભાવ
વસૂલવામાં આવતા હોવાથી થતાં ભાવના વધારાના બોજનો ઉમેરો કરવામાં આવે તો આજે મિલકતના
ભાવ ચોરસ મીટરદીઠ રૂા.54,139 નહિ, પરંતુ ચોરસ મીટરે દીઠ રૂા.1.10 લાખથી માંડીને 1.20 લાખને
સપાટીને વળોટી ગયા છે.