વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પર બનેલો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બચાવ કામગીરી આજે ત્રીજા
દિવસે પણ ચાલુ છે. અત્યારસુધી કુલ 18 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજી કેટલાક ગુમ હોવાથી મોતનો
આંકડો વધવાની શક્યતા છે. દેશમાં બ્રિજ ધરાશાયી થવાની વધતી દુર્ઘટનાને ધ્યાનમાં લેતાં કેન્દ્રીય
પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આકરૂ વલણ અપનાવ્યું હોવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તે
નબળી કામગીરી કરનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની તપાસ શરૂ કરી છે. જાણી જોઈને ભૂલો
કરનારાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવી જોઈએ.
નીતિન ગડકરીએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અકસ્માત એક અલગ વસ્તુ છે, અને જે કામ
કરતી વખતે છેતરપિંડી અને કૌભાંડ આચરે છે, તે અલગ વસ્તુ છે. જો ભૂલ જાણી-જોઈને ન થઈ હોય તો
માફ કરી દેવા જોઈએ, પરંતુ જો જાણી જોઈને ભૂલ કરવામાં આવી હોય તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી થવી
જોઈએ. માર્ગ પરિવહનના કામકાજના વલણ મુદ્દે ગડકરીએ જણાવ્યું હતું કે, હું કોઈ પ્રકારની ગરબડ
કરનારાઓને ફીટકાર લગાવુ છું. માર્ગ બનાવવામાં ભૂલો કરનારાઓને છોડતો નથી. હાલ મારો ટાર્ગેટ આ
નિર્ણયો પૂરા કરવાનો છે. એક હું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની પાછળ લાગીશ. બીજું આ મારા દેશની
સંપત્તિ છે તેની સાથે કોઈ સમાધાન નહીં કરીશ. ત્રીજું એક એક રસ્તો મારા ઘરની દિવાલ સમાન છે.
ચોથું જેટલી ચિંતા મારા ઘરની છે, તેટલી જ તે રસ્તાની છે. પાંચમું તેની સાથે કોઈ સમાધાન નહીં કરૂં.