વિદેશથી દાણચોરીથી લવાયેલું સોનું ખરીદવાના આરોપસર ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટલિજન્સે (ડીઆરઆઈ) દાણચોરીની સિન્ડિકેટ સાથે કથિત રીતે સંકળાયેલા દાદરના વેપારીની ધરપકડ કરી હતી. ડીઆરઆઈની ટીમ વેપારીના ઘરે પહોંચી ત્યારે તપાસથી બચવા વેપારી બેડરૂમમાં સંતાઈ ગયો હતો અને ડિજિટલ પુરાવાનો નાશ કરવાને ઇરાદે મોબાઈલ ફોન બારીની બહાર ફેંકી દીધો હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો.
ડીઆરઆઈએ શુક્રવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ દાદરના જી. ડી. આંબેડકર માર્ગ ખાતે રહેતા એન. વી. ઠક્કર (24) તરીકે થઈ હતી. મળેલી માહિતીને આધારે અધિકારીઓએ 11 એપ્રિલે બૅન્ગકોકથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પહોંચેલા બી. સી. શેઠને પકડી પાડ્યો હતો. તપાસ કરતાં તેની પાસેથી 6.30 કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. આ સોનાની 14 લગડી તેણે એક બૂટના સોલમાં સંતાડી રાખી હતી.
સોનાની કથિત દાણચોરી પ્રકરણે શેઠની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતાં આ સોનું તે તેના સાથી સી. સંઘવીને આપતો હોવાનું કબૂલ્યું હતું. ડીઆરઆઈએ આજે 12 એપ્રિલે સંઘવીને પણ પકડી પાડ્યો હતો.પૂછપરછમાં સંઘવીએ જણાવ્યું હતું કે શેઠ પાસેથી લીધેલું સોનું તે ઠક્કરને વેચતો હતો. ડીઆરઆઈના અધિકારીઓ સર્ચ ઑપરેશન હાથ ધરી ઠક્કરના ફ્લૅટમાં પહોંચ્યા હતા. જોકે તપાસથી બચવા તે બેડરૂમમાં સંતાઈ ગયો હતો અને પોતાનો મોબાઈલ ફોન પણ બારીમાંથી નીચે ફેંકી દીધો હતો. પોલીસે ઠક્કરના મોબાઈલ ફોનને તપાસ માટે તાબામાં લીધો હતો. ઠક્કરે કબૂલ્યું હતું કે દાણચોરીથી લવાયેલું સોનું તે સંઘવી પાસેથી ખરીદતો હતો. છેલ્લાં ત્રણ વર્ષથી તે આ રીતે સોનું મેળવતો હતો, એવો દાવો અધિકારીએ કર્યો હતો.