વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ ચીનના પ્રવાસે છે. સિંગાપોરથી બેઇજિંગ પહોંચેલા જયશંકરે ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી હતી. આ પ્રવાસ ગલવાન ખીણમાં 2020ની હિંસક ઘટના બાદ પહેલી ચીન મુલાકાત છે.
વિદેશમંત્રીએ બેઇજિંગમાં ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથેની મુલાકાતની તસવીરો શેર કરી અને જણાવ્યું કે તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)માં ચીનની અધ્યક્ષતાને ભારતનું સમર્થન આપે છે. તેમણે ગયા વર્ષે ઓક્ટોબરમાં કઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત બાદ બંને દેશોના સંબંધોમાં સુધારો થયો હોવાનું પણ નોંધ્યુ. તેમણે આશા વ્યક્ત કરી કે આ પ્રવાસ દરમિયાન ચર્ચાઓ સકારાત્મક રહેશે.વધુમાં તેમણે જણાવ્યું કે ભારત અને ચીનના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થયા છે. કૈલાસ માનસરોવર યાત્રાને ફરી શરૂ કરવાના નિર્ણયનું ભારત આવકારે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશોના સંબંધો સામાન્ય થવાથી બંનેને ફાયદો થશે. વૈશ્વિક પરિસ્થિતિની જટિલતાને ધ્યાનમાં રાખીને, પડોશી દેશો અને મહત્વની અર્થવ્યવસ્થાઓ તરીકે ભારત-ચીન વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન મહત્વપૂર્ણ છે.મંગળવારે તેઓ તિયાનજિનમાં એસસીઓ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ચર્ચામાં નિયંત્રણ રેખા (એલએસી) પર તણાવ ઘટાડવા, સરહદે શાંતિ જાળવવા અને વેપાર-રોકાણના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત થશે.