સ્કૂલોના શિક્ષકો ખાનગી ટ્યુશન ન કરાવી શકે તેવા સરકારના ઠરાવ અને નિયમ છતાં પણ ઘણી
સ્કૂલોના શિક્ષકો ખાનગી ટ્યુશન કલાસીસોમાં જતા અને ટ્યુશનો કરાવતા હોવાની લેખિત ફરિયાદ
તાજેતરમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ કચેરીમાં અપાઈ હતી.જેના પગલે તપાસ શરૂ કરવામા
આવી હતી અને તપાસ બાદ વિવિધ ખાનગી સ્કૂલોના 16 શિક્ષકો ટ્યુશન કરાવતા હોવાનું સામે આપતા
તેઓના રાજીનામા લઈ લેવાયા છે અને છૂટા કરી દેવાયા છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ કચેરીમાં ફરિયાદ બાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર
કરીને ટ્યુશન કરતા શિક્ષકોની તપાસ કરવા અને જો શિક્ષકો ઘ્યાને આવશે તો સ્કૂલોની જવાબદારી
રહેશે તેમજ ગ્રાન્ટેડ સ્કૂલોના કેસમાં ગ્રાન્ટ કપાશે તેવી ચીમકી અપાઈ હતી. સ્કૂલોના શિક્ષકોને ખાનગી
ટ્યુશન કરવા પર પ્રતિબંધ હોવા છતાં પણ ઘણી સ્કૂલોના શિક્ષકો બહાર ટ્યુશન કરાવતા હોવાની
ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા લેખિત ફરિયાદ અપાઈ હતી. ઉપરાંત સ્કૂલોના નામ અને
તેઓના શિક્ષકોના નામ સાથેની યાદી પણ આપવામા આવી હતી.ત્યારબાદ સ્કૂલોએ અને ડીઈઓ
કચેરીઓ દ્વારા પણ તપાસ કરવામા આવી હતી.જેમાં અમદાવાદ શહેરની સ્કૂલોના પાંચ અને ગ્રામ્યની
સ્કૂલોના 11 સહિત કુલ 16 શિક્ષકો ટ્યુશન કરતા હોવાનું પકડાતા તેઓના રાજીનામા લઈ લેવાયા છે.
ગ્રામ્ય ડીઈઓ હેઠળની એસ.એસ.ડિવાઈન, અંબિકા, તિરૂપતિ, સ્વામિનારાયણ, સુપર અને કે.આર.રાવલ
સ્કૂલ દ્વારા તપાસ કરાઈ હતી.આ સ્કૂલોના સંચાલકોએ જ રાજીનામા લઈ લીધા છે.જ્યારે શહેર ડીઈઓ
હેઠળની સાબરમતીની અર્જુન ઈંગ્લીશ સ્કૂલના, રાણપીની મિશન સ્કૂલનો 1,ઈસનપુરની મહાવીર
હાઈસ્કૂલનો 1 અને મણિનગરની ડિવાઈન બડ્ર્સ સ્કૂલના 1 સહિત પાંચ શિક્ષકો ટ્યુશન કરાવતા હોવાનું
ઘ્યાને આવતા તેઓના રાજીનામા લઈ લેવાયા છે. ફેડરેશન દ્વારા 40થી વઘુ શિક્ષકોના નામ આપવામાં
આવ્યા હતા.જેમાં જે સ્કૂલોના શિક્ષકો અને કોચિંગ કલાસીસના શિક્ષકો નામ સરખા હતા તેવા શિક્ષકોના
નામ અને સ્કૂલોના નામ તેમજ ક્લાસિસના નામ સાથેની યાદી અપાઈ હતી. ફેડરેશનના જણાવ્યા મુજબ
ઘણા ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો પણ છે. હાલ તો ખાનગી સ્કૂલોના શિક્ષકોના રાજીનામા લેવાયા છે.