હિમાચલ પ્રદેશમાં મંગળવારે શિમલા, બિલાસપુર અને સોલનમાં અનેક જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો હતો. હવમાન વિભાગે 16 જુલાઈએ ચંબા, કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લામાં અમુક સ્થાન પર વાવાઝોડા સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, 21 જુલાઈ સુધી વરસાદથી રાહત મળવાની આશા નથી. અત્યાર શુદ્ધિમાં 1000 કરોડનું નુકસાન થયું હોવા ઉપરાંત 106 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદનો ક્રમ ચાલુ રહેશે. વરસાદને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન ઉના અને ધૌલાકુઆંમાં 32.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે જાન-માલને ભારે નુકસાન થયું હતું. આ સિવાય 20 જૂનથી 15 જુલાઈ સુધીમાં 106 લોકોના મોત નિપજ્યા છે. કુલ મોતમાંથી 62 લોકો સીધા વરસાદ સંબંધિત મુશ્કેલીઓ જેમ કે, ભૂસ્ખલન, અચાનક પૂર, વાદળ ફાટવા, ડૂબવા, વીજળીનો પડવાના કારણે મોતને ભેટ્યા છે. જોકે, આ સમયગાળા દરમિયાન 44 લોકોના મોત માર્ગ દુર્ઘટનામાં થયો હતો. મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખુએ મંગળવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા અને તેમને જાણ કરી કે રાજ્યને અચાનક પૂર અને વાદળ ફાટવાથી લગભગ 1,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.