અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટના બાદ અમેરિકાની વિમાન ઉત્પાદક કંપની બોઇંગની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. ત્યારે અમેરિકાના મીડિયાએ સમગ્ર મામલાને નવો રંગ આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે. અમદાવાદ દુર્ઘટના પછી વિશ્વસનીયતા ગુમાવનારા બોઇંગને બરબાદ થવાથી બચાવવા માટે અમેરિકન મીડિયાએ ભારતીય પાયલટને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં, અમેરિકન મીડિયાએ પણ AAIB રિપોર્ટને પોતાની રીતે રજૂ કરવાનું શરૂ કર્યું છે.
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના અહેવાલને ટાંકીને અમેરિકન અખબાર ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ એ લખ્યું છે કે કોકપીટ રેકોર્ડિંગમાં ખુલાસો થયો છે કે ફ્લાઇટના કેપ્ટને પોતે વિમાનના એન્જિનમાં ફ્યુલની સપ્લાય બંધ કરી દીધી હતી. અમેરિકન મીડિયાના આ ખોટા દાવાથી દરેક આશ્ચર્યચકિત છે. ઉલ્લેખનીય છે કે AAIB રિપોર્ટમાં ક્યાંય એવું કહેવામાં આવ્યું નથી કે કેપ્ટને ફ્યુલ કંન્ટ્રોલ સ્વિચ બંધ કરી દીધી હતી.
12 જૂને, એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાને અમદાવાદથી લંડન માટે ઉડાણ ભરી હતી. અમદાવાદના રનવે પરથી વિમાન ઉડાન ભર્યાના થોડીવાર પછી એક વિચિત્ર ઘટના બની. કોકપીટમાં હાજર સિનિયર કેપ્ટન સુમિત સભરવાલે ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદરને પૂછ્યું, ‘ફ્યુઅલ સ્વીચ ‘કટઓફ’ પોઝિશનમાં કેમ મુકવામાં આવી હતી?’ આ પ્રશ્ન સાંભળીને ફર્સ્ટ ઓફિસર આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જવાબમાં તેમણે કહ્યું હતું કે – મેં એવું નથી કર્યું. નોંધનીય છે કે અમેરિકન મીડિયા જે પાયલટ્સ પર અકસ્માત માટે દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેમાં કેપ્ટન સભરવાલને 15,638 કલાકનો ઉડાણનો અનુભવ હતો, જ્યારે કુંદરને 3,403 કલાકનો અનુભવ હતો. આવી સ્થિતિમાં બંને પાયલટ્સમાંથી કોઈ પણ આવી ભૂલ કરી શકે નહીં.
પાયલટ એસોસિએશનમાં ભારે રોષ
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ (FIP) એ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે સંપૂર્ણ અને પારદર્શક તપાસ વિના કોઈને દોષી ઠેરવવું ખોટું છે. એસોસિએશને એક નિવેદનમાં કહ્યું છે કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં દોષી ઠેરવવા ઉતાવળ અને બેજવાબદારીભર્યું છે. આ પાયલટ્સની વ્યાવસાયિક છબીને નુકસાન પહોંચાડે છે અને તેમના પરિવારોને તકલીફ આપે છે.