ઈરાકના અલ-કુટ શહેરમાં આવેલા હાયપર માર્કેટમાં આજે ગુરૂવારના રોજ ભયાનક આગ ફાટી નીકળતાં અંદાજે 60 લોકોના મોત થયા છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હાયપર માર્કેટ સવારે ખૂલ્યાની થોડી ક્ષણોમાં જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયુ હતું. તેના વાઈરલ વીડિયોમાં બિલ્ડિંગનો મોટો હિસ્સો આગની ઝપેટમાં આવી ગયો હોવાનું નજરે ચડ્યું છે. ચારેકોર હવામાં ધુમાડાના ગોટેગાટા જોવા મળ્યા હતાં.
શોપિંગ સેન્ટરમાં લાગેલી આ આગમાં અંદાજે 60 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. મોતનો આંકડો વધવાની ભીતિ છે. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. પ્રાંતના ગવર્નર મોહમ્મદ-અલ-મિયાહીએ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીના આદેશ આપ્યા છે. આ દુર્ઘટનાનું કારણ શોધવા તપાસ શરૂ કરાઈ છે. આગામી 48 કલાકમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. તેમજ બિલ્ડિંગ અને મોલના માલિક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. તેમણે પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. શહેરના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આ ભયાવહ આગ દુર્ઘટનામાં અમે અત્યારસુધી 59 મૃતકોની ઓળખ કરી લીધી છે. અન્ય એક મૃતદેહ ખરાબ રીતે બળી ગયો હોવાથી તેની ઓળખ થઈ શકી નથી. આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધવાની શક્યતા છે.