પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા અનેક કર્મચારીઓ EPFOના સભ્ય છે. PF રૂપે તેમના
પગારની કેટલીક રકમ EPFOના ખાતામાં જમા થાય છે. PF રૂપે જમા થતી રકમ એકસાથે ઉપાડી
શકાતી નથી. પરંતુ હવે EPFO પોતાના નિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જેથી કોઈપણ સેક્ટરમાં
કામ કરતા કર્મચારીઓ PFની તમામ રકમ ઉપાડી શકશે.
PF ઉપાડવાના વર્તમાન નિયમ અનુસાર કર્મચારી 58 વર્ષની ઉમરે નિવૃત્ત થયા બાદ અથવા નોકરી
છોડીને બે મહિના સુધી બેરોજગાર રહે તો જ PFની પૂરેપૂરી રકમ ઉપાડી શકાતી હતી. પરંતુ આજના
સમયમાં એવા ઘણા લોકો છે, જેઓ 35-40 વર્ષની ઉમરમાં કારકિર્દી બદલવા ઈચ્છે છે અથવા કોઈ
કારણોસર નિયમિતપણે નોકરી કરી શકતા નથી. વર્તમાન પેઢીના કર્મચારીઓના આવા વલણને જોતા
EPFOએ પોતાના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. EPFO દ્વારા એક પ્રસ્તાવ રજૂ
કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં જણાવાયું છે કે, EPFOના સભ્યને 10 વર્ષમાં એક વાર પોતાની
તમામ રકમ અથવા એનો કેટલોક ભાગ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે. જો EPFOનો આ
પ્રસ્તાવ મંજૂર થશે તો પ્રાઇવેટ સેક્ટરના 7 કરોડથી વધુ EPFOના સભ્યોને રાહત મળશે. નિષ્ણાતોના
જણાવ્યાનુસાર, આજના સમયમાં કામ કરતા કર્મચારીઓનો એક મોટો વર્ગ છે, જે ક્યારેય નિવૃત્તિની
ઉમર સુધી પહોંચતો નથી અથવા લાંબાગાળા સુધી કોઈ એક ક્ષેત્રમાં નોકરી કરી શકતો નથી. આ
સંજોગોમાં આ નવો નિયમ વરદાનરૂપ સાબિત થશે.