મુંબઈના બાંદ્રામાં આજે શુક્રવારે સવારે એક દુ:ખદ ઘટના બની છે. ભારતનગરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં 10 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં કાટમાળમાંથી સાત લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ, ફાયર બ્રિગેડ અને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ઘટના સ્થળે હાજર છે અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના આજે સવારે 7.50 વાગ્યે બની હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઈમારતમાં સિલિન્ડર વિસ્ફોટ થયો હતો, જેના કારણે ઈમારતનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ અને બીએમસી ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.