બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને લેન્ડ ફોર જોબ એટલે કે નોકરીના બદલામાં જમીન કૌંભાડમાં કોઈ રાહત મળી ન હતી. સુપ્રીમ કોર્ટ શુક્રવારે (18 જુલાઈ) રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની લેન્ડ ફોર જોબ કેસની સુનાવણી પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.
લાલુ પ્રસાદ યાદવે આ કેસમાં નીચલી કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલને રોકીને રાહતની માંગ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે આ માંગણીને પહેલાથી જ ફગાવી દીધી હતો. લાલુએ આ જ આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશ અને એન. કોટિશ્વર સિંહની બેન્ચ આ અરજી પર સુનાવણી કરવાના હતા.અગાઉ દિલ્હી હાઈકોર્ટે 29 મેના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે, ‘રેલવેમાં નોકરીના બદલામાં જમીન આપવાના કેસમાં નીચલી કોર્ટમાં કાર્યવાહી પર રોક લગાવવાનું કોઈ નક્કર કારણ નથી. સીબીઆઈ FIR રદ કરવાની યાદવની અરજી પર હાઈકોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સીને નોટિસ જાહેર કરી હતી અને સુનાવણી 12 ઓગસ્ટ સુધી મુલતવી રાખી હતી.લાલુ યાદવ વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પાછલી તપાસ અને તેના અંતિમ અહેવાલોને છુપાવીને નવી તપાસ શરૂ કરવી એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે. અરજદારે દલીલ કરી હતી કે તેમને ‘ગેરકાયદેસર’ અને દુર્ભાવનાપૂર્ણ તપાસ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે, જે નિષ્પક્ષ તપાસના તેમના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે.