યુરોપિયન સંઘ (ઇયુ) દ્વારા રશિયન ક્રૂડ ઓઇલમાંથી બનેલા ઇંધણની આયાત પર પ્રતિબંધ મૂકાતા
ભારતના 15 અબજ અમેરિકન ડોલરની ઇંધણ નિકાસને અસર થઇ શકે છે, એમ આર્થિક થિંક ટેન્ક
જીટીઆરઆઇએ જણાવ્યું હતું.
૨૭ દેશોના યુરોપિયન સંઘ દ્વારા પ્રતિબંધોના ૧૮મા પેકેજમાં રશિયાના તેલ અને ઉર્જા ક્ષેત્રની આવક
પર અંકુશ લાદવાના ઉદ્દેશ્યમાં અનેક પગલાંનો સમાવેશ થાય છે. જેમ કે રશિયન ક્રૂડ ઓઇલમાંથી
બનેલા અને કોઇ ત્રીજા દેશમાંથી આવતી રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ(જીટીઆરઆઇ)ના જણાવ્યા અનુસાર આ પેકેજનું મુખ્ય ઘટક રશિયન ક્રૂડ
ઓઇલમાંથી બનેલા અને ત્રીજા દેશોના માધ્યમથી નિકાસ કરવામાં આવતા રિફાઇન્ડ પેટ્રોલિયમ
પેદાશોની આયાત પર પ્રતિબંધ છે. જેમાં માત્ર અમેરિકા, બ્રિટન, કેનેડા અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા કેટલાક
પસંદગીના ભાગીદાર દેશોનો સમાવેશ થતો નથી.તેમાં જણાવાયું છે કે આ પગલાથી ભારત, તુર્કી અને
સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોને નુકશાન થશે. આ દેશો રશિયન ક્રૂડ ઓઇલનું શુદ્ધિકરણ કરી રહ્યા
છે અને યુરોપને ડીઝલ, પેટ્રોલ અને જેટ ઇંધણ વેચી રહ્યા છે. જીટીઆરઆઇના સ્થાપક અજય શ્રીવાસ્તવે
જણાવ્યું કે ભારતની યુરોપિયન સંઘને પાંચ અબજ અમેરિકન ડોલરની પેટ્રોલિયમ પેદાશોની નિકાસ
જોખમમાં છે. યુરોપિયન સંઘના નવા પ્રતિબંધો અંતર્ગત ભારત જેવા ત્રીજા દેશો દ્વારા રશિયન ક્રૂડ
ઓઇલમાંથી બનેલા રિફાઇન્ડ પેટ્રોલિયમ પેદાશોની આયાત પર પ્રતિબંધ છે.