આજે સોમવારે હાઇકોર્ટે મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. હાઇકોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો. ઘટનાના 19 વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે.
ન્યાયાધીશ અનિલ કિલોર અને ન્યાયાધીશ શ્યામ ચાંડકની ખાસ બેન્ચે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા આરોપીને દોષિત ઠેરવવા માટે નિર્ણાયક નથી. 11 જુલાઈ 2006ના રોજ મુંબઈના વર્સ્ટન સબર્બન વિસ્તારમાં ટ્રેનના સાત કોચમાં એક બાદ એક વિસ્ફોટ થયા હતા. જેમાં 189 મુસાફરો માર્યા ગયા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા. પોલીસે ચાર્જશીટમાં 30 લોકોના નામ આરોપી તરીકે આપ્યા હતા. જેમાંથી 13 લોકોની ઓળખ પાકિસ્તાની નાગરિકો તરીકે થઈ હતી.આ વિસ્ફોટો ખાર, બાંદ્રા, જોગેશ્વરી, માહિમ, બોરીવલી, માટુંગા અને મીરા-ભાઈંદર રેલવે સ્ટેશનો પાસે થયા હતાઆ બધા વિસ્ફોટો મુંબઈના પશ્ચિમ રેલવે પર લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં થયા હતા.
આતંકવાદ વિરોધી ટુકડીએ 20 જુલાઈ,અને 3 ઓક્ટોબર, 2006ની વચ્ચે આરોપીઓની ધરપકડ કરી હતી. તે જ વર્ષના નવેમ્બરમાં, આરોપીઓએ કોર્ટને લેખિતમાં જાણ કરી હતી કે તેમની પાસેથી બળજબરીથી કબૂલાત લેવામાં આવી હતી. ચાર્જશીટમાં 30 આરોપીઓના નામ હતા. આમાંથી 13 પાકિસ્તાની નાગરિકો તરીકે ઓળખાયા હતા.લગભગ 9 વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ, સ્પેશિયલ મકોકા કોર્ટે 11 સપ્ટેમ્બર 2015ના રોજ પોતાનો ચુકાદો આપ્યો. 13 આરોપીઓમાંથી, કોર્ટે 5 દોષિતોને મૃત્યુદંડ, 7 ને આજીવન કેદ અને એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો. 2016માં આરોપીઓએ આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો અને અપીલ દાખલ કરી. 2019માં બોમ્બે હાઈકોર્ટે અપીલોની સુનાવણી શરૂ કરી હતી જેનો આજે ચુકાદો આપવામાં આવ્યો હતો.