ગુજરાતમાં આ ચોમાસાની સીઝનમાં ભારેથી અતિભારે વરસાદ થતા અનેક ડેમો છલકાયા છે. સરદાર
સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની આવક વધી ગઈ હોવાથી સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમ 70
ટકા કરતા વધુ ભરાયો હોવાના કારણે ડેમ એલર્ટ મોડમાં મુકાયો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે
આજે સવારે 11 વાગ્યે નર્મદા ડેમના 5 જેટલા દરવાજા ખોલીને કેનાલમાં પાણી છોડવામાં આવી શકે છે.
તેવી એક પરિપત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જો કે, પાણી છોડવામાં આવશે જ તેવું નક્કી નથી.
પરંતુ જો પાણીનું સ્તર વધે તો દરવાજા ખોલવામાં આવે તેવી સંભાવના છે.
ઉપરવાસમાં કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ ભરાયા છે. આ સાથે
30 જુલાઈએ સાંજે 5 કલાકે મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા 2.39 મીટર સુધી ખોલી
4,40,965 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણીના કારણે પણ સરદાર સરોવર નર્મદા ડેમની
સપાટીમાં વધારો થયો છે. અત્યારે નર્મદા ડેમની જળસપાટી વધીને 128.67 મીટર પર પહોંચી ગઈ છે.
જેથી આજે દરવાજા ખોલવામાં આવી શકે છે.
સ્વાભાવિક છે કે, જો મહત્તમ સપાટી કરતા ડેમમાં પાણીનું સ્તર વધી જાય તો પાણીને છોડવું પડશે.
અન્યથા કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે. ડેમની ક્ષમતા કરતા વધારે પાણીનો સંગ્રહ કરવામાં આવે તો, તે
જોખમી સાબિત થઈ શકે છે. અત્યારે નર્મદા ડેમની તેની મહત્તમ સપાટીએ પહોંચી ગયો છે. તંત્ર દ્વારા
નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ રહેવા માટે અને સુરક્ષા રાખવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી
છે. એટલું જ નહીં પરંતુ નદીના પટમાં કોઈ પણ વ્યક્તિ અવર-જવર ના કરે તે માટે પણ કાળજી રાખવા
માટે સૂચના આપવામાં આવી છે.