સબ-સ્ટાન્ડર્ડ ચાઈનીઝ રમકડાંની દાણચોરી પર મોટી કાર્યવાહી કરતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ ગેરકાયદે આયાતી ચાઈનીઝ રમકડાં, નકલી કોસ્મેટિક્સ અને બિન-બ્રાન્ડેડ જૂતાનો લગભગ 160 મેટ્રિક ટનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઓપરેશન ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર ડીઆરઆઈને મળેલી બાતમીના આધારે કંડલા સેઝ સહિત દેશના જુદા જુદા બંદરો પરથી રૂ. ૬.૫ કરોડથી વધુના મૂલ્યના કુલ ૧૬૦ મેટ્રિક ટન જેટલા ગેરકાયદે રીતે આયાત કરાયેલા ચાઈનીઝ રમકડાં, નકલી કોસ્મેટિક્સ અને બ્રાન્ડ વિહોણા જૂતાના જથ્થાને જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા કંડલા સેઝ, મુંદરા અદાણી બંદર, હઝીરા પોર્ટ, અને ફરિદાબાદ (હરિયાણા) ખાતે આવેલા પિયાલા ખાતે ૧૦ જેટલા કન્ટેનરની આદરેલી તપાસમાં અંદરથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ચાઈનીઝ રમકડાં તેમ જ કેટલીક નકલી કોસ્મેટિક વસ્તુઓ અને ફૂટવેર મળી આવ્યા હતા. આવી વસ્તુઓને ભારતમાં બંદરો વાટે ઘૂસાડવા માટે નાના ડેકોરેટિવ પ્લાંટ્સ, કીચેન, પેન્સિલ બોક્સ અને શો-પીસ જેવી ઓછી ડયુટીવાળી વસ્તુ તરીકે ખોટી રીતે ડિક્લેર કરવામાં આવ્યા હતા હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.